ઝારખંડના નક્સલ પ્રભાવિત પશ્ચિમ સિંહભૂમ જિલ્લામાં મંગળવારે સવારે સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. એક એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ ૫ માઓવાદીઓને ઠાર કર્યા છે. અહેવાલો મુજબ, અથડામણની જગ્યા પરથી મોટી માત્રામાં શસ્ત્રો અને અન્ય વસ્તુઓ પણ મળી આવી છે. આશંકા છે કે હજુ અન્ય કેટલાક માઓવાદી છુપાયેલા હોઇ શકે છે તેથી વિસ્તારમા સર્ચ ઓપરેશન ચાલુ છે. સુરક્ષા દળો અને માઓવાદીઓ વચ્ચે આ અથડામણ મંગળવારે સવારે શરૂ થઇ હતી. આ અથડામણમાં ૫ નક્સલી ઠાર કર્યા છે અને તેમની પાસેથી ૨ એકે -૪૭ રાઇફલ, એક ૩૦૩ રાઇફલ અને ૨ પિસ્તલ જપ્ત કરાઇ છે.
નોંધનીય છે કે ગત દિવસોમાં ઝારખંડના દુમકા જિલ્લામાં સશસ્ત્ર સીમા બળ અને પોલીસે સંયુક્ત કાર્યવાહીમાં માઓવાદી કમાન્ડર સહદેવ રાયને ઠાર કર્યો હતો. રાય પર ૧૦ લાખ રૂપિયાનું ઇનામ હતું. તેની પાસેથી પોલીસે એક ઇન્સાસ અને એક એકે -૪૭ રાઇફલ જપ્ત કરી હતી. આ અથડામણ પછી પોલીસને ઘણા પુરાવા પણ હાથ લાગ્યાં છે.
સુરક્ષા દળોની આ કાર્યવાહીને નક્સલિઓ માટે એક ખૂબ મોટું નુકસાન માનવામાં આવી રહ્યા છે. તો સહદેવની મૃત્યુ પછી સુરક્ષા દળોનો ઉત્સાહ વધ્યો છે. આ જ કારણ છે કે સીઆરપીએફની કોબ્રા બટાલિયન અને પ્રદેશ પોલીસ મળીને માઓવાદીઓ સામે ઓપરેશન ચલાવી રહ્યું છે અને તેમને સફળતા પણ મળી રહી છે. નોંધનીય છે કે ઝારખંડના ૧૯ જિલ્લા ઉગ્રવાદ પ્રભાવિત છે અને અતિ ઉગ્રવાદ પ્રભાવિત જિલ્લાઓની સંખ્યા ૧૩ છે.