વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં તારીખ ૧૪મી ડિસેમ્બરે જિલ્લાની ૫ બેઠકો પર ૧૩૪૨ મતદાન મથકો પર ૧૧.૭૫ લાખ મતદારો મતદાન કરવાના છે. ત્યારે મતદારો સુરક્ષાનો અનુભવ કરે અને ભાંગફોડિયા તત્વો જાહેરમાં આવી ન શકે તેના માટે જિલ્લામાં પેરા મિલેટ્રી ફોર્સની ૩૦ કંપનીના જવાનોને મંગળવારથી તૈનાત કરી દેવામાં આવ્યા છે. જિલ્લામાં દરેક પોલીસ સ્ટેશનના વિસ્તારમાં જવાનોની ફ્લેગ માર્ચ શરૂ કરી દેવામાં આવી છે.
જિલ્લા કલેક્ટર સતિષ પટેલ અને જિલ્લા પોલીસ વડા વિરેન્દ્રસિંહ યાદવ સાથે જિલ્લા માટે મુકવામાં આવેલા કેન્દ્રિય પોલીસ ઓબ્ઝર્વર અવ્યુલા રમેશ રેડ્ડી દ્વારા બેઠક યોજીને જરૂરી માહિતીનું આદાન પ્રદાન કરી લીધું હતું. સ્વાભાવિક રીતે સુરક્ષાના મામલે પાટીદાર પ્રભાવિત કલોલ અને માણસા મત વિસ્તાર પર વધુ ધ્યાન અપાયું છે.ગાંધીનગર ઉત્તર, ગાંધીનગર દક્ષિણ, કલોલ, માણસા અને દહેગામમાં ક્યાં મતદાર અસુરક્ષા અનુભવી શકે છે, તે મુદ્દે અધિકારીઓએ ચર્ચા કરી હતી અને તે પ્રમાણે પોલીસ અને પેરા મિલેટ્રી ફોર્સના જવાનોને મુકવામાં આવશે. દરેક વિધાનસભા મત વિસ્તારમાં એક મહિલા અધિકારી, કર્મચારી સંચાલિત મતદાન મથકો કાર્યરત કરવામાં આવનાર છે. ત્યાં મહિલા પોલીસ અને મહિલા સીઆરપી એફને મુકવામાં આવશે.
તારીખ ૧૪મી ડિસેમ્બરે મતદાનની પ્રક્રિયા વખતે ભારતના ચૂંટણી પંચ દ્વારા માન્ય કરવામાં આવ્યા હોય તેવા ઓળખના પુરાવા પૈકી કોઇ પુરવા નહીં હોય તો તેવા વ્યક્તિને મતદાન મથકમાં પ્રવેશવા દેવાશે નહીં.