અમદાવાદ અને મુંબઇ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ તેના નિધાર્િરત સમયમાં શરૂ થાય તેમ લાગતું નથી, કારણ કે જમીન સંપાદનની કાર્યવાહીમાં હજી સાત મહિના જેટલો સમય લાગી શકે છે, જે સંપાદન પ્રક્રિયા ગયા વર્ષના ડિસેમ્બર મહિનામાં પૂરી થવાની હતી. બુલેટ ટ્રેન માટે જમીન સંપાદનની પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી આગળની કોઇ કાર્યવાહી થઇ શકે તેમ નથી. જો કે સરકારના એક અધિકારીએ કહ્યું હતું કે અમે પ્રયાસ કરી રહ્યા છીએ કે પ્રોજેક્ટ માટે ઝડપથી જમીન સંપાદન થાય. ખેડૂત આગેવાનોને પણ અમે સમજાવી રહ્યા છીએ. અત્યાર સુધીમાં ૧૯૦ પૈકી ૧૦૦ ગામોમાં જમીન સંપાદનની અંતિમ સૂચનાઓ આપવામાં આવી છે.
તેમણે કહ્યું હતું કે રાજ્ય જમીન સંપાદન કાયદાની કલમ ૧૯ મુજબ જમીન સંપાદન, પુનર્વસન અને પુનર્વસન (ગુજરાત સુધાર) અધિનિયમ, ૨૦૧૬માં ફેર વળતરના અધિકાર અને પારદર્શિતાના અધિકાર મુજબ સૂચનાઓ આપવામાં આવે છે. જમીન સંપાદન પ્રક્રિયા ધીમી હોવાનું મુખ્ય કારણ ખેડૂતોને વિરોધ છે. અમે ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ ખેડૂતોના વિરોધનો સામનો કરી રહ્યા છીએ. જો કે સરકારે લોકસભાની ચૂંટણી આવતી હોવાથી હમણાં ખેડૂતો પર દબાણ નહીં કરવાની સૂચના આપી છે. ખેડૂતોને કોઇ દુખ ન થાય તે રીતે આગળ વધવાની સૂચનાઓ આપવામાં આવી છે. અધિકારી ના જણાવ્યા અનુસાર, ખેડૂતોની જમીનના હસ્તાંતરણ માટે સ્વેચ્છાએ જમીન આપવા માટે મહત્તમ સંખ્યામાં સંમતિ મળી છે જેમાં વડોદરા, આણંદ, ભરૂચ અને સુરત જિલ્લાના ખેડૂતો છે. રાજ્ય સરકારે ખેડૂતોને ૨૫% બોનસની યોજના માટે સ્વેચ્છાએ તેમની જમીન આપવાનું વચન આપ્યું છે. સરકાર ખેડૂતને અપફ્રન્ટ પેમેન્ટ પણ કરશે જે આપવામાં આવેલી રકમના ૮૦% હશે.
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન સંપાદનની પ્રક્રિયા ઓગસ્ટ ૨૦૧૮ ની આસપાસ શરૂ થઈ હતી. આ કામ ઝડપથી પતી જવું જોઇતું હતું પરંતુ જમીન સંપાદન એક જટિલ પ્રક્રિયા છે જેમાં પાંચ તબક્કાઓનો સમાવેશ થાય છે. દરેક તબક્કે નોટિસ આપવાની હોય છે. જમીન સંપાદનમાં થઇ રહેલા વિલંબના કારણે પ્રોજેક્ટ તેની ૨૦૨૨ની અવધિ ચૂકી જાય તેવી સંભાવના છે.