સરદાર સરોવર ડેમના પાણીમાં કેમિકલયુક્ત પદાર્થ ભળતા માછલીઓના મોત થયા હતાં. જેને પગલે પાણી દૂષિત અને દુર્ગંધયુક્ત બની ગયું છે. આ નર્મદાબંધનું પાણી સમગ્ર ગુજરાતમાં સિંચાઈ અને પીવા માટે જાય છે ત્યારે આ એક ગંભીર સમસ્યા સામે આવી છે. જો કે આ સમસ્યા અંગે નર્મદા નિગમના પેટનું પાણી હલતું નથી. જો પાણીનું ટેસ્ટિંગ કરી તાત્કાલિક પગલાં ભરવામાં નહીં આવે તો લાખો લોકો બીમારીનો ભોગ બની શકે છે. નર્મદાબંધના કેચમેન્ટ વિસ્તારમાં ૧૩૫૦ મિલિયન ક્યુબિક મીટર પાણી સંગ્રહિત છે. જ્યારે ૧૧૦૦ ક્યુસેક પાણી નર્મદા કેનાલમાં છોડી સમગ્ર ગુજરાત અને રાજસ્થાનને પીવા અને સિંચાઈ માટે પાણી પૂરું પાડવામાં આવે છે.
આ કેમિકલયુક્ત પાણી મહારાષ્ટ્ર કે મધ્યપ્રદેશમાંથી આવ્યું કે પછી સ્થાનિક માછીમારો કે પરવાનેદારોએ માછી મારી કરવા ઝેરી પદાર્થ નાંખ્યો કે બીજું કોઈ કારણ છે તે પણ જાણી શકાયું નથી. હાલ પાણીનો કલર પણ બદલાઈ ગયો છે અને દૂષિત થઇ ગયું છે.