જીવરાજપાર્ક વિસ્તારના સહજાનંદ કોમ્પલેક્સમાં બુધવારે સવારે નવ વાગ્યાની આસપાસ ગ્રાઉન્ડ ફ્લોર પરના ડનલોપ અને થર્મોકોલના ગોડાઉનમાં આગ લાગી હતી. ત્યાં ફાયર સેફ્ટીની કોઈ વ્યવસ્થા ન હતી. આગ લાગી તે સ્થળે ટ્યૂશન ક્લાસિસમાં ૧૬ વિદ્યાર્થી ટ્યૂશન માટે આવ્યા હતા. તમામને સ્થાનિકોની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા. ભારે પવનને કારણે જોત-જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. સ્થાનિક લોકોને આગના ધુમાડાના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. અંદરની આગ પર કાબૂ આવી ગયો છે.
કોમ્પલેક્ષનો રહેણાંક અને કોમર્શિયલ બંનેનો ઉપયોગ થતો હતો. સ્થાનિકોએ અનેક વખત રજુઆત કરી હતી કે ગોડાઉન ના રાખી શકો છતાં માલિકે ધ્યાન આપ્યું ન હોવાનો આક્ષેપ કર્યો હતો. ગીચતાવાળા કોમ્પલેક્સમાં લોકો રહે છે. ટ્યુશન કલાસિસ તેમજ ભાડે ઓરડી અને ઓફિસો આવેલી છે. કોમ્પ્લેક્ષના બાંધકામ ઉપર પણ અનેક સવાલો ઉભા થયા છે.
આગ મામલે એફએસએલ ની મદદ લેવામાં આવી છે. કોમ્પ્લેક્સ બાબતે એસ્ટેટ વિભાગને પણ જાણ કરવામાં આવી છે. આગામી દિવસોમાં કોમ્પ્લેક્સને સીલ મારવા સુધીની કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતા જણાય છે.
મળતી માહિતી પ્રમાણે કોમ્પલેક્સ ખાતે આવેલા પી.યુ. ફોમનું આ ગોડાઉન ગેરકાયદે ધમધમતું હતું. આ ગોડાઉનને બંધ કરવાની પણ નોટિસ આપવામાં આવી હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે. આગના બનાવની જાણ થતાં ફાયર ફાયટરની ૧૦ ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પાણીનો મારો ચલાવીને આગને બુઝાવવાની કામગીરી કરાઈ હતી. તો ઘટનાને પગલે ૨ એમ્બ્યુલન્સ અને પોલીસની ટીમ પણ પહોંચી હતી.
આગ લાગતાં લોકોનો આક્રોશ સામે આવ્યો હતો. સ્થાનિકોનુ કહેવું છે કે જો શિક્ષકોએ સમયસર વિદ્યાર્થીઓને બહાર કાઢ્યા ના હોત તો સુરતના ટ્યૂશન ક્લાસીસ જેવી હોનારત સર્જાઇ હોત. સુરતમાં આવેલા એક કોમ્પલેકસમાં લાગેલી આગના ધૂમાડાથી ગુંગળાઇ જઇ એક ટ્યુશન કલાસિસના શિક્ષિકા અને વિદ્યાર્થીનું મોત થયું હતું.
ચોંકાવનારી વાત એ છે કે આ કોમ્પ્લેક્સમાં નાની નાની ઓરડીઓમાં ત્રણ ચાર પરિવારો પણ ભાડેથી રહેતા હતા. જેઓ ગેસના સિલિન્ડરનો ઉપયોગ કરતા હતા. આસ્થા ક્લાસીસ છેલ્લાં ૧૦ વર્ષથી ચાલે છે, જેના માલિક બાબુભાઇ મકવાણા છે. જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલ સહજાનંદ કોમ્પ્લેક્સની બાજુમાં રહેતા મહેન્દ્રભાઇ કઠવાડિયાએ આગને પહેલાં જોઇ હતી અને તાત્કાલીક કોમ્પ્લેક્સનો પાવર બંધ કરીને આગ બુઝાવવા માટેની કોશિશ કરી હતી અને વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં મદદ કરી હતી.
અમદાવાદ ગ્રામ્યમાં ડીઈઓએ ખાનગી ટ્યૂશન ક્લાસીસમાં ચેકિંગ હાથ ધર્યું છે. ફાયર સેફ્ટી મામલે ડીઈઓએ ચેકિંગ હાથ ધર્યું છે. ડીઈઓએ ૭ ટીમ બનાવીને અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધર્યું છે. આ દરમિયાન જે ટ્યૂશન ક્લાસીસમાં ફાયર સેફ્ટીનો અભાવ હોય તેવા ક્લાસીસોને મૌખિક સૂચના આપવામાં આવશે. આ સાથે જ સૂચનાનું પાલન ન કરનાર ક્લાસીસના સંચાલકો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.