આશારામ આશ્રમની સંસ્થાને માતૃ-પિતૃ પૂજન દિવસની ઉજવણીને લઈને ચોકાવનારી આધારભૂત સૂત્રોની માહિતી મુજબ એકલા શિક્ષણમંત્રીએ નહી પરંતુ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત અન્ય મંત્રીઓએ પણ શુભેચ્છાઓ પત્ર દ્વારા આપી છે. જાણી જોઈએ શિક્ષણ મંત્રીને ટાર્ગેટ બનાવ્યા હોવાનું પણ જાણકાર વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે ૧૪ ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવતાં વેલેન્ટાઇન ડેની આસારામ આશ્રમની સંસ્થા યોગ વેદાંત સેવા સમિતિ દ્વારા માતૃ-પિતૃ પૂજન દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. જેને લઈ ગુજરાત સરકારના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આસારામ આશ્રમને શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો.
ચુડાસમાએ લખ્યું છે કે, ૧૪ ફેબ્રુઆરી, ૨૦૧૯ના રોજ માતૃ-પિતૃ પૂજન દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. આપની સંસ્થા દ્વાર નવીન અભિયાનનો શુભારંભ કરેલ છે, જે સરાહનીય છે. આપનું આ મહાઅભિયાન વધુને વધુ આગળ વધે અને કન્યા-કુમારો, યુવાન-યુવતિઓ આજના આધુનિક યુગમાં માતા-પિતા પ્રત્યેની ફરજો સમજે અને શ્રેષ્ઠ નાગરિક અવશ્ય બનશે. આપની સંસ્થા દ્વારા થઈ રહેલા આ ઉમદા કાર્ય માટે મારી શુભકામના પાઠવું છું.
કોંગ્રેસે રાજ્ય સરકારના મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા આસારામની સંસ્થાને આપેલી શુભેચ્છાને લઈ પ્રહાર કરતાં જણાવ્યું કે, માત્ર વોટબેંક મેળવવા આસારામ જેવા લોકોની સંસ્થાને શુભેચ્છા આપવામા આવી છે. આસારામ હાલ દુષ્કર્મના કેસમાં જેલમાં છે.