ગુજરાતની સુપ્રસિધ્ધ કેસર કેરી દેશમાં જ નહીં વિદેશમાં વખણાય છે, પરંતુ ચાલે વર્ષે ઠંડી અને શીત લહેરને કારણે આંબા ઉપર આવેલા ૪૦ ટકા જેટલા મોર ખરી પડ્યાં હોવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. આમ કેરીના હવામાનના ગ્રહનના કારણે ચાલુ વર્ષે પણ કેસર કેરીનો પાક ઘટવાની શકયતા છે.
ગીર-સોમનાથના તાલાલા, કોડીનાર અને ગિરગઢડા વિસ્તારમાં પુષ્કળ માત્રામાં કેસર કેરીનું વાવેતર થાય છે. અહીંની કેસર કેરી ભારત જ નહીં સમગ્ર દુનિયામાં પ્રખ્યાત છે. ગીર વિસ્તારમાં હજ્જારો હેકટર જમીનમાં કેસરના બગીચાઓ આવેલા છે. સેંકડો ખેડૂતો આ કેસર કેરીના બાગાયત પર નિર્ભર છે. બીજી તરફ ગ્લોબલ વોર્મિંગની અસરને કારણે છેલ્લા કેટલાક વર્ષોથી કેસર કેરીનાં ઉત્પાદનમાં સતત ઘટાડો થયો છે. વર્તમાન સમયમાં આંબા પર સમયસર ફલાવરિંગ શરૂ થયું હતું. સારા એવા પ્રમાણમાં આંબે મોર આવ્યા હતા. દરમિયાન છેલ્લા ૩ દિવસથી અતિભારે ઠંડી પડવાથી લોકો ઠુંઠવાઈ રહ્યાં છે. ઠંડી અને શીત લહેરની અસર કેસર કેરીના આંબા ઉપર પડી છે.
આંબા પરના મોર કાળા પડી ખરવા લાગતા ખેડૂતો ચિંતિત બન્યા છે. આ વર્ષે આંબા ઉપર ભારે મોર આવતાં ખેડુતો રાજી થયા હતા, પરંતુ હવામાનના પલ્ટાએ કેરી ના બગીચાઓમાં આવેલ ૪૦ ટકા મોર બળી ને રાખ થયાં છે. જેથી નાની કેરી આપો આપ ખરી પડી છે.
ગ્લોબલવોર્મિંગની અસરને કારણે આ વખતે શિયાળો મોડો શરૂ થયો. શિયાળાના આરંભ સાથે જ જેવી જોઈએ તેવી ઠંડી પડી ન હતી. દરમિયાન અચાનક જ તીવ્ર ઠંડી પાડવા લાગતા આંબામાં આવેલા ફલાવરિંગ બળવા લાગ્યું છે. તેમજ કેરીમાં મધિયો, ફૂગ તથા ભૂકીચારા જેવા રોગોએ માથું ઉચકતા નાની ખાખડીઓ પણ ખરી ગઇ છે.