સૌરાષ્ટ્ર-કચ્છમાં બુધવારે પણ બફિર્લા પવન, ઠાર અને ઠંડીનું આક્રમણ યથાવત રહ્યું છે. ગિરનાર પર્વત ઉપર બુધવારે ૨.૮ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે અને પર્વત પર જનજીવન ઠીગરાઈ ગયું છે. જૂનાગઢમાં ૭.૮, ભવનાથ તળેટીમાં ૫.૮, નલિયામાં ૭, અમરેલીમાં ૬.૮, સુરેન્દ્રનગરમાં ૯.૭, ભાવનગરમાં ૮.૬, પોરબંદરમાં ૯.૭, રાજકોટમાં ૧૦, ભુજમાં ૧૧ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.
માઉન્ટ આબુમાં ૧ ડિગ્રી તાપમાન સાથે ઠંડીએ પોતાની પકડ બનાવી રાખી છે. આબુમાં સિંચાઈની પાઈપોમાં બરફ જામ્યો હતો. જેથી ખેડૂતોને સિંચાઈમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ ગુરૂવારથી ઠંડીમાં થોડી રાહત મળે તેવી શકયતા છે. લઘુત્તમ તાપમાનનો પારો ૨થી ૩ ડિગ્રી જેટલો કાલથી ઉંચકાશે અને તેના કારણે ઠંડીની તીવ્રતા થોડી ઘટે તેવી શકયતા છે. બુધવારે રાજકોટમાં સવારે ભેજનું પ્રમાણ ૩૯ ટકા, ભાવનગરમાં ૬૪, પોરબંદરમાં ૫૫, ઓખા-ભુજ અને નલિયામાં ૫૦, સુરેન્દ્રનગરમાં ૬૫, કંડલામાં ૭૧, મહુવામાં ૬૪, અમરેલીમાં ૪૮ ટકા ભેજ નોંધાયું છે. અમદાવાદમાં ૯, ડિસામાં ૭.૬ અને વડોદરામાં ૯ ડિગ્રી, ડીસા ૮, ગાંધીનગર ૯, બરોડા ૯ ડીગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
સૌરાષ્ટ્રમાં કેટલાક વિસ્તારમાં હળવા વરસાદની આગાહી કરાઇ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનાં પગલે ઠંડીમાં ઘટાડો તો થશે. પણ સાથે જ ઝડપી પવન ફૂંકાવાથી દક્ષિણ ગુજરાત અને દ્વારકા-પોરબંદરનાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચન આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં દિવસેને દિવસે ઠંડીનો પારો ગગડી રહ્યો છે, જેને કારણે જનજીવન વ્યસ્ત થઈ ગયું છે. લોકો વહેલી સવારે અને મોડી સાંજ બાદ ઘરથી કામ વગર બહાર જવાનું ટાળી રહ્યાં છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, મંગળવાર સવારથી ઉત્તર-પૂર્વીય ઠંડા પવનનું જોર ઘટ્યું હતું, જેને લીધે અમદાવાદનું મહત્તમ તાપમાન ૨૫.૨ ડિગ્રી અને લઘુતમ તાપમાન ૧ ડિગ્રી ઘટીને ૯.૬ નોંધાયું હતું. જોકે મંગળવારે સાંજ પડતાં ઠંડીમાં સામાન્ય વધારો નોંધાયો હતો. આગામી બેથી ત્રણ દિવસ ક્રમશઃ તાપમાનમાં વધારો થતાં ઠંડીમાં ઘટાડો થવાની શક્યતા છે.