બુટલેગર પાસેથી રપ હજારની લાંચ લેતા જમાદાર મયુર ગઢવી ઝડપાયા

1676

ભાવનગર તાલુકાના કોળીયાક આઉટ પોસ્ટના બીટ જમાદાર મયુર ગઢવી બુટલેગર પાસેથી રૂા.રપ હજારની લાંચ લેતા બોટાદ એસીબીના હાથે ઝડપાઈ જવા પામ્યો હતો. જેના કારણે પોલીસ બેડામાં ચક્ચાર મચી જવા પામેલ છે.

બનાવ અંગે પ્રાપ્ત વિગત મુજબ કોળીયાક ખાતે ઓ.પી.માં ફરજ બજાવતા બીટ જમાદાર મયુર ગઢવીએ અગાઉ દારૂના કેસમાં ઝડપાયેલ બુટલેગરને હાજર થવા અને મારવાના નહીં તે માટે રૂા.૧ લાખની લાંચની માંગણી કરાયેલ. જેમાં રકઝકના અંતે રૂા.રપ હજારમાં સોદો ફાઈનલ થયો હતો. આ અંગે બુટલેગરે બોટાદ એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ કરતા બોટાદ એલસીબીએ છટકુ ગોઠવ્યું હતું અને આજે સાંજે કોળિયાક આઉટ પોસ્ટમાં જ રૂા.રપ હજાર મયુર ગઢવીને આપતાની સાથે જ એસીબીએ રંગેહાથ ઝડપી લીધો હતો. આ બનાવથી સમગ્ર પોલીસ બેડામાં ચક્ચાર મચી જવા પામી હતી.

સ્થાનિક રહિશોમાં ચર્ચા મુજબ બીટ જમાદાર મયુર ગઢવી રેવન્યુ વિસ્તારમાં માટી ઉપાડવાના નાણા ઉઘરાવવા ઉપરાંત વાહન ચાલવાના પણ નાણા પડાવતો હતો જેનો પણ લોકોમાં રોષ હોવાનું પણ ચર્ચાઈ રહેલ ત્યારે બોટાદ એસીબીએ મયુર ગઢવી સામે લાંચ રૂશ્વતની કલમનો ગુનો નોંધી કેસ કાગળો તૈયાર કર્યા હતા.

 

Previous articleસિહોરમાં વાસણની દુકાનના ઓટલા પરથી થેલો ઉઠાવી ચોરીનો પ્રયાસ
Next articleકુંભારવાડા નારી રોડ પર રહેણાંકી મકાનમાંથી ઈંગ્લીશ દારૂ ઝડપાયો