ભાવનગર શહેરમાં આજે ૮.૬ ડિગ્રી તાપમાન સાથે શિયાળાની સિઝનનો સૌથી ઠંડો દિવસ નોંધાયો હતો. આ સાથે પ્રથમ વખત તાપમાનનો પારો સિંગલ ડિઝીટમાં પહોંચ્યો હતો. જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ સહિત ઉત્તર ભારતમાં થઈ રહેલી હીમવર્ષા અને ટાઢાબોળ પવનની અસર સૌરાષ્ટ્ર-ગુજરાતમાં છેલ્લા એકાદ સપ્તાહથી થઈ રહી છે અને રાજ્યના અનેક જિલ્લાઓમાં તાપમાન સીંગલ ડિઝીટ થઈ રહ્યું છે ત્યારે ભાવનગર શહેરમાં પણ આજે તાપમાનનો પારો ૮.૬ ડિગ્રી સાથે સિંગલ ડિઝીટમાં પહોંચ્યો હતો. જેના કારણે લોકોએ ખરા અર્થમાં કાતિલ ઠંડીનો સામનો કર્યો હતો.
ગઈકાલથી સરખામણીએ એક સાથે ચાર ડિગ્રીના ઘટાડા સાથે લઘુત્તમ તાપમાન ૮.૬ ડિગ્રી થઈ જવા પામેલ. જેના કારણે શિયાળાની સિઝનની સૌથી વધુ ઠંડી નોંધાવા પામેલ. છેલ્લા ચાર દિવસથી ફુંકાઈ રહેલા શિત પવનની ઝડપ થોડી ઓછી થવા સાથે જ ઠાર પડવાનું શરૂ થયેલ પરિણામે લોકોએ હાડ થીજાવી દે તેવી ઠંડીનો અનુભવ કર્યો હતો.
કાતીલ ઠંડીના પગલે રાત્રિના સમયે રસ્તાઓ સુમસામ ભાસી રહ્યાં છે. જ્યારે બહારગામ જવા વાળા લોકોની સંખ્યામાં પણ ઘટાડો નોંધાવા પામ્યો છે તેમજ રાત્રિના સમયે બજારો પણ વહેલી બંધ થવા સાથે દિવસે પણ લોકો ગરમ વસ્ત્રોમાં સજ્જ થઈને નિકળી રહ્યાં છે ત્યારે ઠંડીની સૌથી વધુ અસર વિદ્યાર્થીઓને થઈ રહી છે. વહેલી સવારે શાળાએ જતા બાળકો કાતિલ ઠંડીના કારણે ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે. જો કે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે હજુ બે થી ત્રણ દિવસ રાજ્યભરની સાથોસાથ ભાવનગરમાં ઠંડીનું પ્રમાણ જળવાઈ રહેશે.
ભાવનગર ઉપરાંત મહુવામાં પણ તાપમાનનો પારો ૭.૧ ડિગ્રીએ પહોંચ્યો હતો. મહુવામાં આઠમી વખત લઘુત્તમ તાપમાન સિંગલ ડિઝીટમાં રહેવા પામ્યુ છે.