દક્ષિણ આફ્રીકાએ બુધવારે રમાયેલી અંતિમ અને નિર્ણાયક મેચમાં પાકિસ્તાનને સાત વિકેટથી માત આપીને ૩-૨થી સિરીઝ પોતાના નામે કરી લીધી છે. ઓપનિંગ બેટ્સમેન ક્વિંટન ડિ કોક (૮૩ રન), કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ (નોટઆઉટ ૫૦ રન) અને રાસી વાન ડેર ડુસેન (નોટઆઉટ ૫૦ રન)ની મદદથી આફ્રિકાના કેપટાઉનમાં રમાયેલી સિરીઝની અંતિમ વનડે મેચમાં પાકિસ્તાનને ૭ વિકેટે હરાવીને પાંચ મેચોની સિરીઝ ૩-૨થી પોતાના નામે કરી લીધી હતી.
આ મેચમાં પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત ઓવરમાં ૮ વિકેટના નુકસાન પર ૨૪૦ રન બનાવ્યા હતા. પાકિસ્તાનની ટીમ તરફથી ફખર જમાને સૌથી વધુ ૭૦ રન ફટકાર્યા હતા. દક્ષિણ આફ્રિકા તરફથી ડ્વેન પ્રેટોરિયસ અને એન્ડિલ ફેહલુકવાયોએ બે-બે વિકેટ ઝડપી હતી. આફ્રિકાએ ૪૦ ઓવરમાં ત્રણ વિકેટના નુકાસન પર ૨૪૧ રનનો લક્ષ્યાંક હાસિલ કરી લીધો હતો. ડિ કોકે ૫૮ બોલમાં ૧૧ ફોર અને ૩ સિક્સ ફટકારી હતી. આ પહેલા પણ દક્ષિણ આફ્રિકાની ટીમ પાકિસ્તાનને ટેસ્ટ સિરીઝમાં માત આપી ચૂકી છે.
પાકિસ્તાન અને સાઉથ અફ્રિકા વચ્ચે વનડે સિરીઝની બીજી વનડે મેચ દરમિયાન સરફરાજ અહેમદે સાઉથ અફ્રિકાના ક્રિકેટર એંડિલ ફેહલુકવાયો માટે એક વિવાદસ્પદ ટિપ્પણી કરી હતી, જેને જાતીય નિવેદન માનવામાં આવ્યું. સરફરાજે મેચ દરમિયાન સાઉથ અફ્રિકાની બેટિંગના ૩૭માં ઓવર વખતે આ ટિપ્પણી કરી હતી. જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.