શહેરના જ્વેલ્સ સર્કલ નજીક આવેલ મેઘદૂત સોસાયટીના બંધ મકાનમાં તસ્કરો ત્રાટકી કબાટમાં રાખેલ સોનાના દાગીના અને રોકડ મત્તાની ચોરી કરી નાસી છુટ્યા હતા. બનાવની જાણ થતા બોરતળાવ પોલીસ મથકના પી.આઈ. સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી જઈ બનાવની તપાસ હાથ ધરી હતી. ચોરીનો બનાવ બનતા સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.
પ્રાપ્ત વિગત મુજબ, શહેરના જ્વેલ્સ સર્કલ નજીક મેઘદૂત સોસાયટીમાં પ્લોટ નં.૮માં રહેતા અને શાસ્ત્રીનગર બેંક ઓફ ઈન્ડિયા બ્રાંચમાં કેશીયર તરીકે ફરજ બજાવતા પર્વતભાઈ જાદવભાઈ પટેલ પરિવાર સાથે રાજકોટ ખાતે તેમના મિત્રની દિકરીના લગ્નમાં ગયા હતા ત્યારે તેમના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી દરવાજાના તાળા તોડી અંદર પ્રવેશી કબાટમાં તિજોરીમાં રાખેલ ૧પ હજાર રોકડા અને ૧૭ તોલા સોનુ મળી કુલ રૂા.૧.ર૦ લાખની ચોરી કરી નાસી છુટ્યા હતા. આજે વહેલી સવારે પર્વતભાઈ ઘરે પરત ફરી જોતા ચોરી થયાની જાણ બોરતળાવ પોલીસને કરતા તુરંત પીઆઈ સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી જઈ બનાવ અંગે પર્વતભાઈ પટેલની ફરિયાદ નોંધી વધુ તપાસ પીએસઆઈ એસ.ટી. મહેશ્વરીએ હાથ ધરી છે.