ફ્રોઝન કરેલા ફુડને ગરમ કરીને ગ્રાહકોને પીરસવામાં આવતું હોવાનું જિલ્લા સર્વેલન્સ ટીમ દ્વારા કરાયેલી વિવિધ રેસ્ટોરન્ટની આકસ્મિક તપાસમાં બહાર આવ્યું છે. સાથે જ લોકોના આરોગ્યને નુકશાનકર્તા અખાદ્ય ફુડ રાખવા બદલ તમામ રેસ્ટોરન્ટ તેમજ પાર્લરના માલિકોની પાસેથી રૂપિયા ૧૦૦૦નો દંડ વસુલાયો હતો.
જિલ્લાની અન્ય હોટલ અને રેસ્ટોરન્ટમાં આકસ્મિક ચેકિંગની કામગીરી આગામી સમયમાં ચાલુ રખાશે તેમ જિલ્લા સર્વેલન્સ અધિકારીએ જણાવ્યું હતું. કલેક્ટર એસ કે લાંગા દ્વારા આક્સમિક તપાસના કરેલા આદેશના પગલે આ કાર્યવાહી કરાઇ હતી. રેસ્ટોરન્ટમાં ગ્રાહકોને પીરસવામાં આવતું ફુડ ફ્રોઝન કરીને રાખવામાં આવે છે. ત્યારે ગ્રાહકોના ઓર્ડર મુજબ ફ્રોઝન કરેલા ફુડને જ ગરમ કરીને આપવામાં આવતું હોવાનંન જિલ્લા સર્વેલન્સ ટીમની ચકાસણીમાં બહાર આવ્યું હતું. જિલ્લા સર્વેલન્સની ટીમે બુધવારે ભાટની નજીક આવેલી વિવિધ રેસ્ટોરન્ટ અને પાર્લરમાં આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું હતું. આકસ્મિક ચેકિંગમાં ફુડ હોલ્ડરની પાસે હેલ્થ સર્ટીફિકેટ ન હોવાથી તમામને નોટીશ ફટકારવામાં આવી હતી. ઉપરાંત તમામની પાસેથી રૂપિયા ૧૦૦૦નો દંડ વસુલવામાં આવ્યો હતો. રેસ્ટોરન્ટોના કિચનમાં અગાઉથી તૈયાર કરેલો ખાદ્યપદાર્થ રાખવામાં આવ્યો હતો. ઉપરાંત ફ્રોઝન કરેલા ફુડને ગરમ કરીને ગ્રાહકોને આપવામાં આવતું હતું. તેમાંય ઇડલી અને સાંભર જેવા ફુડમાં આવું જોવા મહળ્યું હતું. હોનેસ્ટ રેસ્ટોરન્ટ પાસે સર્ટીફિકેટ હતું, પરંતુ રિન્યુ કરાવવામાં આવ્યું ન હતું. આથી રોગચાળા એક્ટ-૧૮૯૭ મુજબ તમામ રેસ્ટોરન્ટની પાસેથી દંડની કાર્યવાહી કરવામાં આવી હતી, જેના કારણે રેસ્ટોરન્ટના સંચાલકોમાં દોડધામ મચી હતી. જિલ્લા સર્વેલન્સ અધિકારી ડૉ. યોગીતા તુલસીયને કહ્યું કે ભાટ પાસેના સંકલ્પ રેસ્ટોરન્ટ, હોનેસ્ટ, વીલીયમ પીઝા, હન્ગ્રી પુપ્પેટ, ગુલાબ પાન હાઉસ, હેવમોરમાં આકસ્મિક તપાસ કરી હતી. જિલ્લા કલેક્ટરે ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગને સર્વેલન્સ ટીમની સાથે રહીને રેસ્ટોરન્ટ અને હોટલોની તપાસ કરવાની સુચના આપી હતી. તેમ છતાં આજે ફુડ એન્ડ ડ્રગ્સની ટીમ આવી ન હતી.