ગાંધીનગર મહાપાલિકાનું ડ્રાફ્ટ બજેટ આગામી તારીખ ૭મી ફેબ્રુઆરીએ મ્યુનિસિપલ કમિશનર રતનકંવર ગઢવી ચારણ દ્વારા રજુ કરવામાં આવનાર છે. ત્યારે ઉલ્લેખનિય રહેશે કે મહાપાલિકા વર્ષ ૨૦૧૧માં અસ્તિત્વમાં આવ્યા પછી પ્રથમવાર એવું બની રહ્યું છે કે બજેટ સીધું જ સામાન્ય સભામાં રજુ થવાનું છે, કમિશનર ગઢવીચારણનું પ્રથમ બજેટ હશે. આ બજેટ સંભવતઃ પ્રજાલક્ષી જ રહેશે તેવું માનવામાં આવી રહ્યું છે. વધુમાં આ ડ્રાફ્ટ બજેટમાં જે કંઈ સુધારા-વધારા કરવાના હશે તે સામાન્ય સભા કરશે. કમિશનર ડો. રતનકંવર દ્વારા ડ્રાફ્ટ બજેટ સામાન્ય સભામાં રજુ કરવા માટે ગઈકાલે એક લેખિત કાગળ સેક્રેટરીને મોકલી આપવામાં આવ્યો છે. આ લેખિત માંગણીને ધ્યાને રાખી મેયર પ્રવિણ પટેલ દ્વારા સામાન્ય સભા બોલાવવામાં આવી છે. આ માટેનો એજન્ડા પણ તમામ નગરસેવકોને બજાવી દેવામાં આવ્યો છે. સાત દિવસનો નોટિસ પિરીયડ આપવાનો હોય છે તે મુજબ ૭મી ફેબ્રુઆરીએ સામાન્ય સભામાં મ્યુનિ કમિશનર મેયરને ડ્રાફ્ટ બજેટ સુપ્રત કરશે. નવા વર્ષ ૨૦૧૯-૨૦માં શહેરમાં કેવા પ્રકારના કામો કોર્પોરેશન કરવા માંગે છે તે સહિતની ડ્રાફ્ટ બજેટમાં સુચવેલા કાર્યો સામાન્ય સભા સમક્ષ રજુ કરવામાં આવશે. કમિશનર ડ્રાફ્ટ બજેટને સામાન્ય સભા સમક્ષ વાંચી સંભળાવશે. આ સાથે સભા એડ્જોર્ન થશે.
કમિશનરના આ ડ્રાફ્ટ બજેટને મંજુર કરવા માટે ફરી વધુ એક સામાન્ય સભા બોલાવવી પડે તેવું પણ બની શકે છે. જેમાં સભ્યો દ્વારા જે કંઈ સુધારા-વધારા સુચવ્યા હશે તે સાથે ડ્રાફ્ટ બજેટને મંજુર કરવામાં આવશે. કોર્પોરેશનમાં અત્યારે મેયરપદ માટે એક રીતે કોલ્ડવોર ચાલી રહી છે. પ્રવિણ પટેલ ભાજપના એક જુથને આંખના કણાની જેમ ખુંચે છે. ડ્રાફ્ટ બજેટ માટે સામાન્ય સભા બોલાવવા માટે પણ કેટલાક લોકો નારાજ છે. હજુપણ ભાજપના એક જુથને મેયર ચુંટણીનું પરિણામ એકાદ-બે દિવસમાં ખુલી જશે તેવી આશા છે. કારણકે ભાજપ દ્વારા મેયર મતને સીલ રાખવાના ચુકાદાને પડકારવામાં આવ્યો છે. આ માટે સિવીલ એપ્લીકેશન કરવામાં આવી છે. જેને લઈ ભાજપ વધુ આશાવાદ છે.
બજેટ સામાન્ય સભામાં રજુ કરાયા પછી તેમાં સુધારા વધારા કરવાનું નક્કી થાય તો નવેસરથી સામાન્ય સભામાં મુકવાનું થાય છે. પરંતુ જો શાસક પક્ષ ડ્રાફ્ટ બજેટને જ બહુમતીથી પસાર કરી દેવામાં આવે તો અને બાદમાં બજેટના સંબંધમાં સામાન્ય સભા બોલાવવામાં નહીં આવે તો મ્યુ. કમિશનર દ્વારા તૈયાર કરાયેલુ બજેટ જ અમલમાં આવી જશે. બજેટ પર કોઇ ચર્ચા આપવાના બદલે શાસક પક્ષ બહુમતીથી પસાર કરી દે. પરંતુ ભૂતકાળમાં સભ્યો આડા ફાટ્યા હોવાથી ભાજપ પ્રેસરમાં રહેશે.
હાલના મેયર સ્વસ્થ છે, કામો સભામાં મૂકે
ગાંધીનગરના નવા મેયર સહિત બોડીનો મુદ્દે હાઇકોર્ટમાં ન્યાયાધિન બનવાના કરાણે સ્થાયી સમિતિ નિષ્ક્રિય બની જતાં અંદાજે રૂપિયા ૯ કરોડના ખર્ચના શહેર માટે મહત્વના વિકાસ કામો માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ હોવા છતાં સ્થાયી સમિતિની મંજુરીને અભાવે તે કામો અટકી પડ્યા હોવાની વાતે વિપક્ષના નેતા શૈલેન્દ્રસિંહ બિહોલાએ જણાવ્યું છે કે કટકી કરવાના ઇરાદાથી જ ઉપરોક્ત કામ સામાન્ય સભામાં મુકાતા નથી. આ મુદ્દે મ્યુનિસિપલ કમિશનરને લેખિતમાં રજુઆત કરીને આ કામો આગામી સામાન્ય સભામાં રજુ કરવાની માગણી પણ કરાઇ છે અને જણાવાયું છે કે હાઇકોર્ટમાં તારીખ ૧૯ ફેબ્રુઆરીની મુદ્દત પડી હોવાથી સ્થાયી સમિતિ સક્રિય બને તેની રાહ જોઇ શકાય નહીં. કેમ કે ભાજપની આંતરિક જુથ બંધીના કારણે લોક હિત જોખમાઇ રહ્યું છે. ગત તારીખ ૫મી નવેમ્બરે સામાન્ય સભામાં મેયરની ચૂંટણી કરવામાં આવી ત્યારે ચૂંટણી અધિકારી દ્વારા કરાવાયાના આક્ષેપ સાથે વિપક્ષનેતા દ્વારા હાઇકોર્ટમાં ફરિયાદ કરવામાં આવી હતી. આ પહેલા તારીખ ૨જી નવેમ્બરે સ્થાયી સમિતિની બેઠક મળી હતી. પરંતુ મામલો ન્યાયાધિન થયાના કારણે ૩ મહિના થવા આવ્યા છતાં સ્થાયી સમિતિની બેઠક મળી નહીં હોવાથી વિકાસ કામોના ટેન્ડર સહિતના ૧૧ મુદ્દા મંજુરી માટે અદ્ધરતાલ રહી ગયાં છે. કોંગ્રેસના કોર્પોરેટર અંકિત બારોટે પણ મ્યુનિસિપલ કમિશનરને લેખિતમાં જણાવ્યું છે કે ભાજપના મળતિયાઓ મહાપાલિકામાં પ્રજાકિય કામો ઝડપથી થાય તેના કરતા વર્ચસ્વની લડાઇને વધુ મહત્વ આપી રહ્યાં છે.વ્યક્તિગત્ત ઉદ્દેશો હોવાના કારણે ભાજપનું એક જુથ માત્ર સત્તા સ્થાને આરૂઢ થવાની ફિરાકમાં જણાય રહ્યું છે.
રજુઆતમાં જણાવાયુ છે કે હાલના મેયર શારિરીક અને માનસિક સ્વસ્થ છે, તેઓ વિકાસ કામો સામાન્ય સભામાં મુકે તો ચર્ચા થશે અને મંજુરી મળશે. પરંતુ ભાજપના જ કેટલાક નેતાઓ ભ્રષ્ટાચાર આચરવા માટે સ્થાયી સમિતિ સક્રિય થાય તેની રાહ જોઇ રહ્યાં છે.