ઘોઘાના વાળુકડ ગામે ૬ વર્ષની વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલા કરનાર શિક્ષકને ૩ વર્ષની કેદ

858
bvn14122017-3.jpg

ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના વાળુકડ (જીજી)ના ગામની પ્રાથમિક શાળામાં ૬ વર્ષની માસુમ બાળાના શરીર સાથે અડપલા કરવાનો પોલીસ મથકમાં કેસ નોંધાયો હતો. આ અંગેનો કેસ આજરોજ ભાવનગરના ત્રીજા એડી. સેશન્સ જજની કોર્ટમાં ચાલી જતા અદાલતે સરકારી વકીલની દલીલો, આધાર-પુરાવા સાક્ષીઓ ધ્યાને રાખી આરોપી સામેનો ગુનો સાબીત માની ૩ વર્ષની કેદની સજા અને રૂા.૧પ૦૦૦નો દંડ ફટકાર્યો હતો.
આ કેસની પ્રાપ્ત વિગત મુજબ, ઘોઘાના વાળુકડ (જીજી) ગામે રહેતા ભરતભાઈ ડાયાભાઈ ખરક (ઉ.વ.ર૧) નામનો શખ્સ આ ગામમાં જ આવેલી નવસર્જરી વિદ્યાલયમાં પાર્ટટાઈમ શિક્ષક તરીકે નોકરી કરે છે. આ શિક્ષકે ગત તા.૧૧-ર-ર૦૧૪ના રોજ કલાસરૂમમાં છ વર્ષની માસુમ વિદ્યાર્થીનીના શરીર સાથે અડપલા કર્યા હતા. આ અંગે માસુમ બાળાએ ઘરે જઈ તેની માતાને જાણ કરતા તેની માતાએ ઘોઘા પોલીસ મથકમાં ઉક્ત શખ્સ સામે ફરિયાદ આપતા પોલીસે પોસ્કો સહિતનો ગુન્હો નોંધ્યો હતો. આ અંગેનો કેસ આજરોજ બુધવારે ભાવનગરના ત્રીજા એડી. સેશન્સ જજ કુ.કે.આર. પ્રજાપતિની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકીલ ભરતભાઈ વોરાની દલીલો, સાક્ષીઓ, આધાર-પુરાવા ધ્યાને લઈ આરોપી ભરત ખરક સામેનો ગુન્હો સાબીત માની ૩ વર્ષની સખ્ત કેદની સજા અને રૂા.૧પ૦૦૦નો રોકડ દંડ ફટકાર્યો હતો.

Previous articleજ્વેલ્સ સર્કલ નજીકની સોસાયટીના બંધ મકાનમાંથી રોકડ-દાગીનાની ચોરી
Next articleપાલીતાણા : ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે બે બુટલેગર ઝડપાયા