ચૂંટણીઓ આવી છે ત્યારે કેટલીક ઉથલપાથલ પણ સર્જાય છે, પક્ષપલ્ટા થાય છે. ત્યારે અલ્પેશ ઠાકોર છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસથી નારાજ હોવાનું સામે આવી રહ્યું છે. એવી પણ ચર્ચા વહેતી થઇ હતી કે તેઓ ભાજપમાં જોડાવાના છે. ત્યારે કોંગ્રેસના બે ધારાસભ્યોએ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે મુલાકાત કરી હતી. ત્યારે અલ્પેશના ભાજપમાં જોડાવાની વાતને વધુ વેગ મળ્યો છે. મુખ્યમંત્રી સાથેની મુલાકાતને લઇને નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, કોઇ પણ ધારાસભ્ય મુખ્યમંત્રીને ગમે ત્યારે મળી શકે છે. ભાજપ અને કોંગ્રેસ બંને ધારાસભ્યો મળવા આવે છે. ધારાસભ્યો કામ માટે મુખ્યમંત્રીને મળવા આવતા હોય છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા એકતા યાત્રા દરમિયાન અલ્પેશ ઠાકોરે ભાજપના નેતા શંકર ચૌધરી સાથે પણ મુલાકાત કરી હતી. જો કે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ મુખ્યમંત્રી સાથે કરેલી મુલાકાત પર સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે તેઓ બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાને સાબરકાંઠા પોલીસ પરેશાન કરતી હોવાની રજૂઆત સાથે મળવા પહોંચ્યા હતા. તેમણે પોલીસ ખોટી રીતે હેરાન કરવાનું બંધ કરે તેવી રજૂઆત કરી હતી. સીએમ રૂપાણી અને અલ્પેશ ઠાકોર વચ્ચે અડધી કલાક સુધી ચર્ચા ચાલી હતી. ઉલ્લેખનીય છે કે આ મુદ્દે અગાઉ પણ ભાજપનાં વિધાનસભાનાં દંડક એવાં ભરત ડાભી તથા બનાસકાંઠા જિલ્લાનાં ભાજપનાં પ્રમુખ અને પૂર્વ પ્રધાન કેશાજી ઠાકોર સહિતનાં કેટલાંક ઠાકોર આગેવાનોએ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી હતી. તેઓએ મુખ્યમંત્રી વિજય રૂપાણી સમક્ષ રજૂઆત કરી હતી કે અલ્પેશ ઠાકોર સમાજને ગેરમાર્ગે દોરીને સૌને મૂર્ખ બનાવી રહ્યો છે માટે અલ્પેશ ઠાકોરને ભાજપમાં પ્રવેશ આપવો નહીં. જો કે આ મુદ્દે અલ્પેશ ઠાકોરે ભાજપમાં જોડાવા અંગેની વહેતી અટકળો મુદ્દે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, આ બધી વાતો ખોટી છે અને હું ભાજપમાં જોડાવાનો નથી. મારી અને શંકરસિંહ ચૌધરીની મુલાકાત માત્ર ઔપચારિક હતી. ઉલ્લેખનીય છે કે અલ્પેશ ભાજપમાં જોડાવાની વાત છેલ્લાં કેટલાંય સમયથી થઈ રહી હતી જેનાં કારણે આ મુલાકાતનાં વીડિયોએ આગમાં ઘી હોમવાનું કામ કર્યુ હતું.