સંસદમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણથી બજેટ સત્રની શરૂઆત કરવામાં આવી છે. તેમણે તેમના ભાષણમાં કહ્યું કે, મારી સરકારે એક નવા ભારતનું સપનું જોયું છે. વર્ષ ૨૦૧૪માં ચૂંટણી પહેલાં દેશ અનિશ્ચિતતાઓમાંથી પસાર થઈ રહ્યો હતો પરંતુ મારી સરકારે સત્તામાં આવતા જ એક નવા ભારતના નિર્માણનો સંકલ્પ કર્યો છે. તેમણે ભ્રષ્ટાચાર મુક્ત ભારતનો નિર્ણય કર્યો છે. જ્યાં દરેક ગામમાં ગેસ, દરેકને શિક્ષણ, દરેકને રોજગાર સાથે સરકારે તેમના લક્ષ્યાંકો અને યોજનાઓ નક્કી કરી છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે, સરકારે પ્રક્રિયાઓને સરળ બનાવવા માચે ૫૯ મિનિટમાં એક કરોડ રૂપિયા સુધીની લોન આપવાની વ્યવસ્થા કરી છે. ડિજિટલ ઈન્ડિયા પર ઝડપથી કામ થઈ રહ્યું છે. ૪૦ હજાર ગ્રામ પંચાયતોમાં વાઈ-ફાઈ લાગી ચૂક્યું છે. ૧ લાખ ૧૬ હજાર ગામડાઓમાં ઓપ્ટિકલ ફાઈબર પહોંચી ચૂક્યું છે. ભીમ એપ દ્વારા મોટી સંખ્યામાં ડિજિટલથી લેણ-દેણ શરૂ થઈ ગઈ છે. છેલ્લા સાડાચાર વર્ષમાં સરકારે ભ્રષ્ટાચાર સામે લડાઈ લડી છે. સરકારે વિદેશમાં જમા બ્લેકમની લાવવા માટે ઘણાં દેશ સાથે સમજૂતી કરી છે. નોટબંધીએ બ્લેકમની સાથે જોડાયેલા લોકોની કમરતોડી નાખી છે. ૩ લાખથી વધારે નકલી કંપનીઓને બંધ કરવામાં આવી છે. ૮ કરોડ નકલી લાભાર્થીઓના નામ હટાવવામાં આવ્યા છે. જીએસટીથી એક દેશ, એક ટેક્સની વ્યાખ્યા સફળ થઈ છે. સરકારે વેપારી જગતથી મળી રહેલા સૂચનોને સામેલ કરીને જીએસટીમાં સુધારો કર્યો છે. કોલસા ખાણોની ફાળવણીમાં પારદર્શકતા લાવવામાં આવી છે. રાષ્ટ્રપતિ કોવિંદે કહ્યું કે, સરકાર ગરીબ મહિલાઓ અને બાળકોમાં કુપોષણના પડકારને ખતમ કરવા પ્રતિબદ્ધ છે.
તે માટે મિશન ઈન્દ્ર ધનુષ અંર્તગત પૂર્ણ રસીકરણ કરવામાં આવી રહ્યું છે. નવી-નવી મેડિકલ કોલેજો ખોલવામાં આવી રહી છે અને સમગ્ર દેશમાં એમ્સ બનાવવામાં આવી રહી છે. ગામડાઓમાં ડોક્ટરની અછતને દૂર કરવા મેડિકલના અભ્યાસમાં ૩૧ હજાર નવી સીટો વધારવામાં આવી છે. ગયા વર્ષે દેશના ૫૦ કરોડ ગરીબો માટે ગંભીર બીમારીની સ્થિતિમાં દરેક પરિવારને વર્ષે રૂ. ૫ લાખ સુધીનો બીમારી ખર્ચ આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ચાર મહિનામાં ૧૦ લાખથી વધુ ગરીબોને આ યોજનાનો લાભ મળ્યો છે. તે ઉપરાંત ૪ હજારથી વધારે જન ઔષધિ કેન્દ્ર પણ ખોલવામાં આવ્યા છે.
બેઘર લોકોની સમસ્યાને દૂર કરવા સરકારે પીએમ આવાસ યોજના અંર્તગત સાડાચાર વર્ષમાં એક કરોડ ૩૦ લાખથી વધારે ઘરનું નિર્માણ કર્યું છે. જ્યારે ૨૦૧૪ પહેલાં ૫ વર્ષમાં કુલ ૫ લાખ ઘરનું જ નિર્માણ કરવામાં આવ્યું હતું.
રાષ્ટ્રપતિ કોવિંદે કહ્યું કે, સામાન્ય નાગરિકોની પીડા સમજનાર મારી સરકારે મૂળભૂત સુવિધાઓને પ્રાથમિકતા આપી છે. તે ઉપરાંત યોજનાઓને નવું સ્વરૂપ આપીને અભૂતપૂર્વ કામ કર્યું છે. તેમણે કહ્યું કે, શૌચાલયની સુવિધા ન હોવાથી આપણી દીકરીઓને ગરીમાહીન જીવન જીવવું પડતું હતું પરંતુ હવે ૯ કરોડ શૌચાલયોનું નિર્માણ કરવામાં આવ્યું છે. અમે આ વર્ષે ૨ ઓક્ટોબર સુધી દેશને સંપૂર્ણ સ્વચ્છ બનાવવાનો સંકલ્પ કર્યો છે. ઉજ્જવલા યોજના અંર્તગત૬ કરોડથી વધારે ગેસ કનેક્શન આપવામાં આવ્યા છે. દશકાઓના પ્રયત્ન પછી ૨૦૧૪ સુધીમાં દેશમાં ૧૨ કરોડ કનેક્શન હતા પરંતુ સાચા ચાર વર્ષમાં મારી સરકારે કુલ ૧૩ કરોડ પરિવારને ગેસ કનેક્શન આપ્યા છે.
રાષ્ટ્રપતિ કોવિંદે કહ્યું કે, અટલજી દ્વારા સ્થાપિત સામાજિક ન્યાય અને અધિકારિત મંત્રાલય દિવ્યાંગજનો માટે ખૂબ કામ કરી રહી છે. ૧૨ લાખ દિવ્યાંગજનોને રૂ. ૭૦૦ કરોડના ઉપકરણ આપવામાં આવ્યા છે. સરકારે દિવ્યાંગજનો માટે સરકારી સ્ટેશનોને પણ સુગમ બનાવ્યા છે. સરકારે દિવ્યાંગો માટે એક જ સાંકેતિક ભાષાનો ઉપયોગ શરૂ કર્યો છે. કેન્દ્ર સરકારની વેબસાઈટને પણ દિવ્યાંગો માટે બદલવામાં આવી છે.