ભાવનગર શહેરના છેવાડે આવેલા અને મહાપાલિકામાં ભળેલા નારી ગામે છેલ્લા એકાદ સપ્તાહમાં ભેદી રોગચાળાથી ત્રણ વ્યક્તિઓના મોત થતા લોકોમાં ભય ફેલાયો છે. સાથે આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. અને નારી ગામે ઘેર ઘેર જઈને સર્વે કરવા સાથે ફોગીંગ કામગીરી હાથ ધરેલ.
નારી ગામે ગઈકાલે એક યુવાનનું મોત થતા તે કોંગો ફીવરના કારણે થયું હોવાની તંત્ર દ્વારા શંકા વ્યકત કરવા સાથે સર્વે અને ફોગીંગ સહિતની કામગીરી શરૂ કરી દીધી છે. ત્યારે તા. ૧૭ના રોજ એક વ્યક્તિનું મોત થયેલ જેને ડાયાબીટીસ હોવા સાથે ઉમરલાયક હતા તેનું સ્વાઈન ફલુથી મોત થયાની શંકા સાથે રીપોર્ટ ચકાસવાનો પ્રારંભ કરાયો છે. જયારે ચાર દિવસ પુર્વે પણ એક દર્દીનું મોત થયા બાદ વધુ એક યુવાન દર્દીનું ગઈકાલે મૃત્યુ થતા તંત્ર હરકતમાં આવ્યું હતું અને ડો.આર.કે.સિંહા સહિતનો આરોગ્ય વિભાગનો કાફલો નારી ગામે દોડી ગયો હતો અને ઘરે ઘરે જઈને સર્વે કરવાની કામગીરી અને ફોંગીગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તંત્ર દ્વારા સ્વાઈન ફલુ અથવા કોંગો ફીવરની આશંકા વ્યકત કરવા સાથે નમુના લઈને પુના ખાતે લેબ પરીક્ષણ માટે મોકલી આપવામાં આવ્યા છે. ત્યારે સ્થાનિક લોકોમાં પણ દહેશતનો માહોલ છવાયો છે.