ભાવનગર ડિવીઝનના રેલ યાત્રીકોની સુવિધા તેમજ ટ્રેનોમાં વધતી જતી આરક્ષણ યાદીને ધ્યાને લઈને ભીડને ઓછી કરવા તથા લોકોને કન્ફર્મ સીટ મળે તેવા હેતુથી રેલ્વેના મુખ્ય કાર્યાલય દ્વારા ભાવનગર ડિવીઝનની ચાર આવન-જાવન ટ્રેનોમાં વધારાના કોચ લગાવવાનો નિર્ણય કરાયો છે.
ભાવનગર ડિવીઝનની ચાર ટ્રેનોમાં વધારાના કોચ લગાવવામાં આવનાર છે તેમાં પાલીતાણા-બાંદ્રા સુપરફાસ્ટ સાપ્તાહિક ટ્રેનમાં વધારાનો એક થ્રી ટાયર એસી કોચ, એક સ્લીપીંગ કોચ લગાવવાનો નિર્ણય કરાયો છે. જે બાંદ્રાથી ૧ થી રર ફેબ્રુઆરી દરમ્યાન તથા પાલીતાણાથી ર થી ર૩ ફેબ્રુઆરી સુધી લગાવાશે. જ્યારે પોરબંદર-હાવડા ટ્રેનમાં વધારાનો એક થ્રી ટાયર કોચ લગાવાશે.
આ ઉપરાંત ભાવનગર-કોચુવેલી એક્સપ્રેસ ટ્રેનમાં ૧ થ્રી ટાયર કોચ કામચલાઉ ધોરણે વધારે લગાવાશે. જે ભાવનગરથી ૩ થી ર૪ ફેબ્રુઆરી તથા કોચુવેલીથી ૭ થી ર૮ ફેબ્રુઆરી સુધી લગાવાશે તેમજ ભાવનગર-બાંદ્રા સુપર ફાસ્ટ ટ્રેનમાં એક થ્રી ટાયર એસી તથા એક સ્લીપીંગ કોચ વધારાના લગાવાશે. આ કોચ ભાવનગરથી તા.૧ થી ર૮ ફેબ્રુઆરી સુધી જ્યારે બાંદ્રાથી ૪ ફેબ્રુઆરીથી ૩ માર્ચ સુધી લગાવાશે. જેમાં ભાવનગરથી રર ફેબ્રુઆરીએ સ્લીપર કોચ અને ૧૧ ફેબ્રુઆરીએ વધારાનો એસી નહીં લગાવાય તેમ રેલ તંત્ર દ્વારા જણાવાયું હતું.