બરડા ડુંગરમાં ગીરના સિંહોનું બીજું ઘર નહીં બને, કેન્દ્રએ પ્રપોઝલ ફગાવી

681

સાવજનું ઘર ગણાતા સાસણ ગીરમાંથી એશિયાટિક સિંહોને બરડા ડુંગરમાં બીજું ઘર બનાવી ત્યાં ખસેડવાની દરખાસ્તને કેન્દ્ર સરકારે ફગાવી દીધી છે. એટલું જ નહીં, ગુજરાતના સિંહોને મધ્યપ્રદેશના કૂનો પાલપુર અભયારણ્યમાં સ્થળાંતરિત કરવાની વાતનો પણ છેદ ઉડી ગયો છે. ગીરમાં કેનાઈન ડિસ્ટેમ્પર વાઈરસ (સીડીવી)ના પ્રકોપને કારણે ગત વર્ષે ૪૫ જેટલા સિંહનો મોત થયા બાદ કેન્દ્ર સરકારે વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા પાસેથી સિંહ સંવર્ધન માટે દરખાસ્ત મંગાવી હતી. વાઈલ્ડ લાઈફ ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ડિયાએ રજૂ કરેલી દરખાસ્તમાં નેશનલ ટાઇગર કન્ઝર્વેશન ઓથોરિટીના નિરીક્ષણમાં ‘રિકવરી એન્ડ કન્ઝર્વેશન ઓફ એન્ડેન્જર્ડ લાયન્સ ઈન ગુજરાત’ પ્રોજેક્ટનો સમાવેશ કરાયો હતો. જો કે, સાથોસાથ ગુજરાત સરકારે પણ ’પ્રોજેક્ટ લાયન’નો રિપોર્ટ રજૂ કર્યો હતો જેની દરખાસ્તોને સ્વીકારી લેવાઈ હોવાનું અગ્ર મુખ્ય વન્ય સંરક્ષક એ.કે. સક્સેનાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયાએ રૂ. ૯૯ કરોડની ગ્રાન્ટ સાથેનો પ્રોજેક્ટ મૂક્યો હતો. જેમાં બરડા ડુંગરમાં સિંહ માટે નવું ઘર, આ આખા પ્રોજેક્ટની એનટીસીએ સંસ્થા હંઠળ દેખરેખ, સિંહોને રેડીયો કોલર, બરડા ડુંગરના માલધારીનું અન્યત્ર સ્થળાંતર વગેરેની દરખાસ્તો હતી. આ સિવાય તેણે રખડતા કૂતરા અને પશુઓના રસીકરણ, સીડીવી અને અન્ય રોગો માટે પરીક્ષણ કરવું અને અન્ય વન્ય પ્રાણીઓના નમૂનાઓ એકત્રિત કરવાની વાત હતી.

Previous articleબજેટ ૨૦૧૯માં દેશના રમતવીરો માટે સારા સમાચાર, રૂ.૨૧૮૧.૯૦ કરોડની જોગવાઇ
Next articleગુજરાતમાં ૪૮૭ કરોડના ખર્ચે ૧૦ નવા ફલાય ઓવરો બનશે