લોકસભાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને કેન્દ્રની મોદી સરકારનું બજેટ આજે રજૂ થયું છે ત્યારે બીજીબાજુ, ગુજરાત સરકારે પણ કેટલીક મોટી જાહેરાત કરી છે. રાજ્ય સરકારે અહીં ટ્રાન્સપોર્ટ સાથે જોડાયેલી સમસ્યાઓને દૂર કરવા માટે રાજ્યના ત્રણ ભાગોમાં ૧૦ નવા ફ્લાયઓવર બનાવવાની જાહેરાત કરી છે. આ બધા જ ફ્લાયઓવર પહેલા ચરણમાં છે અને લગભગ ૪૮૭ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવશે. ગુજરાતમાં આ નવા ફ્લાયઓવર આ ત્રણ ભાગોમાં નિર્માણ પામશે. જેમાં તમામ દસ ફલાયઓવર ઉત્તર, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના મુખ્ય રસ્તાઓ પર બનાવવામાં આવશે. રાજ્યના ઉપમુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા આ અંગેની મહત્વની જાહેરાત કરવામાં આવી હતી કે, આશરે રૂ.૪૮૭ કરોડથી વધુના ખર્ચે રાજયમાં આ દસ નવા ફલાયઓવર નિર્માણ પામશે, જેના કારણે ટ્રાફિકની સમસ્યા તો હળવી થશે જ, સાથે સાથે પ્રજાજનો ખાસ કરીને વાહનચાલકોને આવનજાવન અને ટ્રાન્સપોર્ટેશનમાં ઘણી સરળતા પ્રાપ્ત થશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રસ્તા નિર્માણ વિભાગે રાજ્યના ઢાંચાને ફેલાવવા માટે આયોજન કર્યું છે. આયોજનના પહેલા તબક્કામાં આ નવા ૧૦ ફ્લાયઓવર માટે કરોડો રૂપિયાની વ્યવસ્થા કરવામાં આવી છે. ગુજરાતમાં ૧૦ નવા ફ્લાયઓવરની સાથે નવા ઓવરબ્રીજોને પણ મંજૂરી આપવામાં આવશે.
તદુપરાંત, તેની સાથે રાજ્ય સરકારે હાલના રસ્તાઓને લાંબા અને કાચા રસ્તાને લાઈનિંગ કરવાની વાત પણ અમલમાં મૂકી રહી છે. ફ્લાયઓવર ફોર-લેન રોડ જંક્શન પર પણ બનશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ઉમેર્યું કે, આવનારા સમયમાં ટ્રાન્સ્પોર્ટને સક્ષમ બનાવવા ફ્લાયઓવર બનાવવાની યોજના પણ બનાવવામાં આવી છે. જલ્દી વધારે નવા ફ્લાયઓવર માટે પણ મંજૂરી આપવામાં આવશે. જેના કારણે રાજયના આ વિસ્તારોમાં અને માર્ગો પરની ટ્રાફિકની સમસ્યા હળવી બનશે અને નાગરિકોને ઘણી રાહત થશે.