પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ આજરોજ એનડીએ સરકારના નાણામંત્રી પિયુષ ગોયલજીએ સંસદમાં રજુ કરેલા બજેટને આવકારતા જણાવ્યું હતું કે, યુપીએ સરકારના પોલીસી પેરાલીસીસના યુગમાંથી છેલ્લા પાંચ વર્ષમા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે ભારતીય અર્થતંત્રને પ્રોગ્રેસીવ પાથ પર મુકી ભારતને વિશ્વના અગ્રીમ અર્થતંત્રની હરોળમાં સ્થાન અપાવ્યુ છે. વાઘાણીએ આજના બજેટને આવકારતાં જણાવ્યુ હતુ કે, આ બજેટ સર્વસ્પર્શી, સર્વવ્યાપી અને વિકાસને વેગ આપનારું બજેટ છે. ખેડુત, ગરીબ, શ્રમિક, મધ્યમ વર્ગ, મહિલા તેમજ યુવાનો સહિત સમાજના તમામ વર્ગોની આકાંક્ષાઓની પૂર્તિ સાથે દેશને વિકાસની દિશામાં આગળ લઈ જનારું વિકાસલક્ષી બજેટ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અગાઉ જાહેર કરેલ પ્રધાનમંત્રી પાક વીમા યોજના, એમએસપી તથા ખેડૂતની આવક બમણી કરવાના વિવિધ પગલાંઓમાં આજે ‘‘પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ’’ની ઐતિહાસિક યોજનાનો ઉમેરો થયો છે. ૧ ડિસેમ્બર, ૨૦૧૮થી લાગુ થનારી આ યોજનામાં દેશના ૧૨ કરોડથી પણ વધુ ખેડૂતો માટે વાર્ષિક ૬૦૦૦ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે આ ઉપરાંત આ ઉપરાંત કિસાન ક્રેડીટ કાર્ડ, કુદરતી આફતનો ભોગ બનેલા ખેડૂતોને વધારાની વ્યાજ સહાય તેમજ પશુપાલકોને ૨ ટકા વ્યાજથી સબસિડીની જોગવાઈ કરી છે તથા તથા રાષ્ટ્રીય કામધેનુ આયોગની રચના કરવા તેમ વાઘાણીએ જણાવ્યું હતું. વાઘાણીએ જણાવ્યુ હતુ કે, નાણામંત્રી દ્વારા મધ્યમ વર્ગ અને નોકરીયાતો તેમજ નાના વ્યવસાયકારો માટે આવકવેરામાં કરવામાં આવેલી જોગવાઈને ઇમાનદાર કરદાતાનું સન્માન ગણાવ્યું હતું. રૂપિયા પાંચ લાખ સુધી કોઈ ટેક્સ નહીં તથા સ્ટાન્ડર્ડ ડિડક્શન ૪૦,૦૦૦ થી વધારી ૫૦,૦૦૦ રૂપિયા તથા વડીલ, પેન્શનરો તેમજ મહિલાઓને વ્યાજની આવકમાં ટીડીએસ કપાતની છુટ ૧૦,૦૦૦ થી વધારી ૪૦,૦૦૦ કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે અસંગઠિત ક્ષેત્રના કામદારો તથા શ્રમિકો માટે ૩૦૦૦ સુધીના પેન્શન તથા મૃત્યુ સહાય ૬ લાખની કરી ‘‘દેશના સંસાધનો પર પ્રથમ અધિકાર ગરીબોનો છે’’ તેવા મંત્ર સાથે સ્વાસ્થ્ય વીમા, ગરીબોને આવાસ અને પેન્શનની સુવિધા કરી છે. સાથે સાથે ગ્રામીણ ક્ષેત્રમાં આધુનિક સુવિધાઓ સાથે એક લાખ ડિજિટલ વિલેજ બનાવવાની પણ જાહેરાત કરી છે.
આ બજેટને ન્યુ ઇન્ડિયાની દિશામાં મહત્વનું કદમ ગણાવી દેશના ઇતિહાસમાં પહેલીવાર સંરક્ષણ ક્ષેત્ર માટે એટલે કે દેશની સુરક્ષામાં ૩ લાખ કરોડ રૂપિયાની જોગવાઈ સાથે ભારત દેશ વિશ્વના અગ્રીમ દેશોની પંક્તિમાં મહત્વનું સ્થાન બનાવે અને દેશના નાગરિકોની સુખાકારી વધે, આંતરમાળખાકીય સુવિધાઓમાં વધારા સાથે દેશના વિકાસ માટે ૧૦ વિઝન દેશ સમક્ષ મુકવા બદલ વડાપ્રધાનશ્રી તથા નાણા મંત્રીશ્રીનો આભાર માન્યો હતો.