બજેટને ચૂંટણીલક્ષી હોવાનો હાર્દિક અને જિગ્નેશનો દાવો

750

મોદી સરકારના લોકસભાની ચૂંટણી પહેલાં આજરોજ રજૂ થયેલા બજેટને લઇ પાટીદાર નેતા હાર્દિક પટેલ અને દલિત યુવા નેતા જિગ્નેશ મેવાણી દ્વારા આકરી પ્રતિક્રિયા આપવામાં આવી હતી. બંને યુવા નેતાઓએ આજના કેન્દ્રીય બજેટને માત્ર ને માત્ર ચૂંટણીલક્ષી અને શિંગડા-પૂંછડા વિનાનું ગણાવ્યું હતું. આજના કેન્દ્રીય બજેટમાં કરાયેલી જાહેરાત પ્રમાણે પ્રધાન મંત્રી કિસાન સન્માન નિધિ અંતર્ગત બે હેક્ટર સુધીની જમીન ધરાવતા ખેડૂતને ૬ હજાર રૂપિયા દર વર્ષે સહાય પેટે આપવામાં આવશે, જે ખેડૂતોના બેંક ખાતામાં જમા થશે. દેશના ૧૨ કરોડ ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે. ખેડૂતોને ત્રણ હપ્તામાં બે હજાર રૂપિયા આપવામાં આવશે. આ અંગે હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, આ આંકડાકીય માયાજાળ છે અને બધી ચૂંટણીલક્ષી વાતો છે. ખેડૂતોને વર્ષે ૬ હજારની નહીં પણ પણ એમના પાકના યોગ્ય ભાવની જરૂર છે. હું અર્થશાસ્ત્રી નથી પણ દેશી ભાષામાં કહું તો આમાં ખાતરની થેલી પણ ના આવે. વર્ષે રૂપિયા છ હજારને ગણીએ તો મહિને માંડ ૫૦૦ રૂપિયા થયા, દેશી ગણતરી કરીએ તો સરકારે ચૂંટણીને ધ્યાનમાં રાખીને ખાતરની બે-ચાર થેલી આપી એમ કહી શકાય. ખેડૂતોને મૂળ સમસ્યા પાકવીમાની છે. મુખ્ય સવાલ જે પાકના ભાવનો છે.

અને પાકવીમાનો છે એનું શું, ખેડૂતોની ખરી સમસ્યા તો એ છે કે એ મહેનત કરીને પકવે છે પણ એમને પાકના ભાવ નથી મળતા. ખેડૂતોની બીજી સમસ્યા એ છે કે, પાક જ્યારે નિષ્ફળ જાય છે ત્યારે પાકનો વીમો નથી મળતો. વીમા કંપનીઓ વર્ષે રૂપિયા ૫૦ હજાર કરોડ કમાય છે અને ખેડૂતો દુઃખી છે. હાર્દિકે ઉમેર્યું કે, ખાતરની સબસિડી બંધ કરેલી છે. થેલીનું વજન ઘટાડ્‌યું છે અને ભાવ વધાર્યા છે ત્યારે મહિને ૫૦૦ રૂપિયાની રાહત અને એ લેવા માટે જે ધક્કા ખાવા પડશે એ ગણીએ તો આ ખેડૂતો માટે રાહત નહીં પણ  એમની મહેનતની મજાક છે. સરકાર ૧૨ કરોડ ખેડૂતોની વાત કરે છે પણ ખેડૂતો મહેનતું છે ખેડૂતોને ખેરાત કરતાં વધારે સહકારની જરૂર છે, સાચી ખેતીની નીતિની જરૂર છે પણ ભાજપ પાસે નથી નીતિ, નથી દાનત, નથી વિચાર. બજેટની આ જોગવાઈની લોકસભાની ચૂંટણી પર શું અસર થશે? એવા પ્રશ્નના જવાબમાં હાર્દિક પટેલે જણાવ્યું કે, ગુજરાતમાં સરકારની ખેડૂતોની નીતિ વીસ વર્ષથી ખેડૂતો જુએ છે અને હવે સમજવા પણ માંડ્‌યા છે. દેશમાં પણ સાડા ચાર વર્ષમાં ખેડૂતોની શું દશા કરવામાં આવી એ જોઈ લીધું છે. ચાર દિન કી ચાંદની હોય એમ આ ચાર મહિનાની ચાંદની લાગે છે, પણ લોકો હોંશિયાર છે મને નથી લાગતું કે તેઓ મહિને ૫૦૦ની આ સહાયથી લલચાઈ જાય. દરમ્યાન વડગામની બેઠક પરથી ધારાસભ્ય અને યુવા નેતા જિગ્નેશ મેવાણીએ પણ આકરી પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે, આ બજેટ શિંગડાં-પૂંછડાં વગરનું છે. નથી એ વોટ ઓન અકાઉન્ટ કે નથી એ ફૂલ બજેટ. મોદી સાહેબ મુંઝાઈ ગયા છે કે લોકસભા સામે છે, ત્યારે લોકોને ખુશ કઈ રીતે કરવા. દેશને એક્સ આર્મીમેન કમિશનની જરૂર છે એના બદલે કાઉ-કમિશન જાહેર કરે છે. તો શું મોદી સાહેબ અને ભાજપ માટે જવાનો કરતાં પણ ગાયો વધારે જરૂરી છે? જેમને પેકેજની જરૂર છે, એમને(સવર્ણોની) અનામત આપી અને જેમને સામાજિક ન્યાયની જરૂર છે એમને પેકેજ આપે છે. ઉનામાં ન્યાય નહીં, ભીમા કોરેગાંવમાં ન્યાય નહીં, ન્યાયને બદલે પેકેજ આપ્યું. મેવાણીએ ઉમેર્યું કે, ૧૫ લાખ આપવાના હતા એને બદલે રૂપિયા છ હજાર આપવાની વાત કરે છે. ખેડૂતો માટે કંઈ નથી. ખેડૂતોની આત્મહત્યા અટકાવવાની કોઈ વાત નથી. બે કરોડ રોજગારી તો ન જ આપી અને અત્યારે બેરોજગારી ૪૫ વર્ષની ટોચે છે તો એના વિશે તો કોઈ વાત જ નથી. કરોડો આદિવાસીઓ માટે જે જોગવાઈ કરે છે એ એમની સંખ્યા જોતા ચણા-મમરા જેવી છે. આદિવાસીઓ જંગલની જમીન માટે લડે છે, વિકાસને નામે એમનું વિસ્થાપન થઈ રહ્યું છે એની સામે આ જોગવાઈ સાવ તુચ્છ અને દેશના વિકાસ માટે બલિદાન આપનારા હજારો આદિવાસીઓનું અપમાન છે.

Previous articleગોધરા કેસમાં ૧૧ દોષિતને ફાંસી સંભળાવનાર જજને અપાયું નવું પદ
Next articleવચગાળાના બજેટમાં સુરતના ડાયમંડ-ટેક્સટાઈલ ઉદ્યોગને કોઈ રાહત ન મળી