નાણામંત્રી પીયુષ ગોયેલે સામાન્ય ચૂંટણી પહેલા મોદી સરકારનું અંતિમ બજેટ રજૂ કરતી વેળા વચગાળાના બજેટમાં સંરક્ષણ બજેટ માટે પણ મોટી જાહેરાત કરી હતી. નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦ માટે સંરક્ષણ બજેટ ત્રણ લાખ કરોડ રૂપિયાથી વધુનું રાખવામાં આવ્યું છે જે હજુ સુધી કોઇપણ વર્ષની સરખામણીમાં સૌથી વધારે છે. વચગાળાના બજેટ ૨૦૧૯માં શ્રેણીબદ્ધ જાહેરાતો સંરક્ષણ માટે પણ કરવામાં આવી છે. પીયુુષ ગોયેલે ૨૦૧૯-૨૦ ાટે વચગાળાનું બજેટ રજૂ કરતા કહ્યું હતું કે, અમારા જવાનો ખુબ જટિલ સ્થિતિમાં સરહદ ઉપર ફરજ બજાવે છે. તેમના ઉપર અમને ગર્વ છે. અમારા સૈનિકો અમારા સન્માન તરીકે છે. અમારી સરહદની સુરક્ષા માટે ત્રણ લાખ કરોડ રૂપિયાથી વધુની ફાળવણી કરવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે, જે હજુ સુધીની સૌથી જંગી ફાળવણી કરવામાં આવી છે. બજેટમાં સંરક્ષણ ક્ષેત્રમાં વધારો કરવામાં આવશે તેવી ગણતરી પહેલાથી જ ચાલી રહી હતી. સંરક્ષણ ક્ષેત્રમાં ફાળવણીમાં આ વખતે અગાઉની સરખામણીમાં વધારો કરાયો છે. સંરક્ષણ ફાળવણીમાં ગયા વર્ષની સરખામણીમાં ૫૦૦૦ કરોડ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારો સેનાના આધુનિકીકરણ અને અન્ય બાબતો ઉપર ખર્ચ કરવામાં આવશે. પીયુષ ગોયેલે સંરક્ષણ બજેટમાં વધારો કરવાની જાહેરાત કરી ત્યારે ગૃહમાં ઉપસ્થિત તમામ સભ્યોએ આનું સ્વાગત કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે પણ આની પ્રશંસા કરતા નજરે પડ્યા હતા. દેશમાં સંરક્ષણ ઉપર કોઇ બાંધછોડ કરવામાં આવશે. જો જરૂર પડશે તો તેમાં વધુ વધારો પણ કરવામાં આવશે. ગોયલેે કહ્યું હતું કે, સરકારે છેલ્લા ૪૦ વર્ષથી અટવાયેલી વન રેંક વન પેન્શન યોજના અમલી કરી બતાવી છે. હજુ સુધી ૩૫૦૦૦ કરોડ રૂપિયાથી વધુની રકમ આપવામાં આવી ચુકી છે. કોંગ્રેસ સરકારે ઓઆરઓપીના વચનને ત્રણ બજેટમાં રજૂ કરી હતી પરંતુ કોંગ્રેસ સરકારના ગાળામાં વન રેંક વન પેન્શનની યોજનાને અમલી કરી શકી ન હતી. જો કે, સરકારે આ યોજનાને અમલી કરીને સૈનિકો પ્રત્યે તેની ગંભીરતા સ્પષ્ટ કરી દીધી છે. જુદા જુદા ક્ષેત્રોમાં બજેટને લઇને અનેક ચર્ચાઓ થઇ હોવા છતાં સરકારે સંરક્ષણ બજેટમાં જંગી વધારો કર્યો છે. ગોયેલે કહ્યું હતું કે, આવનાર સમયમાં સંરક્ષણના ક્ષેત્રમાં ઉચ્ચ પ્રાથમિકતા આપીને સરકાર આગળ વધશે.