ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આવતીકાલે પાંચ વનડે મેચોની શ્રેણીની પાંચમ અને નિર્ણાયક મેચ રમાનાર છે. ભારત છેલ્લી મેચ હારી ગયુ હોવા છતાં શ્રેણીમાં ૩-૧ની લીડ ધરાવે છે. ભારતીય ટીમ શ્રેણી જીતી ચુકી છે છતાં અંતિમ વનડે મેચ જીતીને આગળ વધવા માટે તૈયાર છે. ભારતીય ટીમમાં કેટલાક ફેરફાર કરવામાં આવી શકે છે. એમએસ ધોની આવતીકાલે રમાનાર મેચમાં રમશે કે કેમ તેને લઇને હાલમાં સસ્પેન્સ છે. તે ચોથી વનડે મેચોમાં ઇજાગ્રસ્ત થઇ જવાના કારણે રમ્યો ન હતો. છેલ્લી મેચમાં કંગાળ દેખાવને ભુલી જઇને રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમ જોરદાર દેખાવ કરવા માટે તૈયાર છે. રોહિત શર્મા, શિખર ધવન અને અન્ય સ્ટાર બેટ્સમેનો પર નજર રહેશે.અગાઉ હેમિલ્ટન ખાતે રમાયેલી ચોથી વનડે મેચમાં ન્યુઝીલેન્ડે ભારત પર આઠ વિકેટે જીત મેળવી હતી. ભારતીય ટીમે આ મેચમાં ખુબ કંગાળ દેખાવ કર્યો હતો. સમગ્ર ટીમ ૩૦.૫ ઓવરમાં માત્ર ૯૨ રન કરીને આઉટ થઇ ગઇ હતી. જેના જવાબમાં ન્યુઝીલેન્ડની ટીમે ૧૪.૪ ઓવરમાં બે વિકેટ ગુમાવીને આ રન બનાવી લીધા હતા. આની સાથે જ ભારતની કારમી હાર થઇ હતી. ૨૧૨ બોલ ફેંકવાના બાકી હતા ત્યારે યજમાન ન્યુઝીલેન્ડે જીત મેળવી હતી. ન્યુઝીલેન્ડના ઝડપી બોલર બોલ્ટે ૧૦ ઓવરમાં જોરદાર તરખાટ મચાવીને ૨૧ રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. ગ્રાન્ડહોમે ૨૬ રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી.તે પહેલા માઉન્ટ મોનગાનુઈમાં રમાયેલી ત્રીજી મેચમાં ભારતીય ટીમે જોરદાર દેખાવ કર્યો હતો. યજમાન ટીમ ૪૯ ઓવરમાં ૨૪૩ રન કરીને ઓલઆઉટ થઇ ગઈ હતી. ત્યારબાદ રોહિત શર્માના ૬૨ અને વિરાટ કોહલીના ૬૦ રનની મદદથી ભારતે ૪૩ ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને જીતવા માટેના જરૂરી રન ૨૪૫ રન કરીને મેચ જીતી લીધી હતી. આની સાથે જ ભારતે ન્યુઝીલેન્ડમાં ૧૦ વર્ષના લાંબાગાળા બાદ દ્વિપક્ષીય શ્રેણી પોતાના નામ ઉપર કરી હતી. આ પહેલા વર્ષ ૨૦૦૯માં પોતાના નામ ઉપર શ્રેણી કરી હતી. ચોથી મેચ ન્યુઝીલેન્ડે જીતી લીધા બાદ શ્રેણીમાં ભારત ૩-૧ની લીડ ધરાવે છે. ભારતીય ટીમે હાલમાં જ ઓસ્ટ્રેલિયામાં પણ વનડ શ્રેણી જીતી હતી. ૭૦ વર્ષના ગાળા બાદ ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી પણ જીતવામાં સફળ રહી હતી. વિદેશી મેદાન ઉપર ભારતીય ટીમે સતત બીજી વનડે શ્રેણી જીતી છે. યજમાન ન્યૂઝીલેન્ડની ટીમે હાલમાં જ શ્રીલંકાની સામે ૩-૦થી જોરદાર જીત મેળવી હતી. ન્યુઝીલેન્ડ કેપ્ટન વિલિયમસન હજુ સુધી શાનદાર દેખાવ કરી શક્યો નથી. તેના પર તમામની નજર રહેશે. મુનરો પણ ધરખમ ખેલાડી છે. મેચનુ પ્રસારણ આવતીકાલે સવારે સાત વાગ્યાથી કરાશે
ન્યુઝીલેન્ડ : વિલિયમસન (કેપ્ટન), બોલ્ટ, બ્રેસવેલ, ગ્રાન્ડહોમ, ફર્ગુસન, માર્ટિન ગુપ્ટિલ, મેટ હેનરી, ટોમ લાથમ, કોલિન મુનરો, હેનરી નિકોલસ, માઇકલ સેન્ટર, ઇશ શોધી, ટીમ સાઉથી, રોસ ટેલર
ભારતીય : રોહિત શર્મા ( કેપ્ટન) યુજવેન્દ્ર , શિખર ધવન, ધોની, જાડેજા, કેદાર જાધવ, દિનેશ કાર્તિક, કુલદીપ, ભુવનેશ્વર, સામી, શિરાજ, શંકર, શુબમન ગિલ, જસપ્રિત, હાર્દિક, લોકેશ રાહુલ.