મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્માર્ટ સિટી મિશન હેઠળ તંત્ર દ્વારા આવનારા દિવસોમાં બીઆરટીએસ બસમાં પ્રવાસ કરનાર પેસેન્જર્સને બસની અંદર મફત વાઈફાઈની સુવિધાનો લાભ અપાશે.શહેરીજનોને એએમટીએસ બાદ હાલમાં બીઆરટીએસ બસ સર્વિસ જાહેર સેવા પરિવહન ક્ષેત્રનો એકમાત્ર અન્ય મહત્ત્વપૂર્ણ વિકલ્પ છે. બીઆરટીએસ સર્વિસ તેની નિયમિતતા, સ્વચ્છતા અને ઝડપના કારણે અમદાવાદીઓમાં લોકપ્રિય પણ બની છે. જોકે એએમટીએસની જેમ શહેરના ખૂણેખાંચરે આ બસ સર્વિસ જઈ શકતી ન હોઈ આ બાબત બીઆરટીએસ સર્વિસથી ટ્રાફિકની સમસ્યાને હળવી કરવાના મામલે બાધારૂપ બની છે.જોકે મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા બીઆરટીએસ બસ સર્વિસના પેસેન્જર્સને વધુને વધુ સારી સુવિધા આપવાની દિશામાં કવાયત હાથ ધરાઈ છે. બીઆરટીએસ પેસેન્જર્સને હાલમાં વાઈફાઈની સુવિધા અપાઈ રહી છે, પરંતુ આગામી દિવસોમાં બીઆરટીએસ પેસેન્જર્સ જે તે બસસ્ટેશનથી બસમાં પ્રવેશ કરીને બસમાં પણ વાઈફાઈની સુવિધા મળી શકે અને જે તે બસસ્ટેશન પર ઊતર્યા બાદ પણ બસસ્ટેશનમાં પણ તેની સુવિધાનો લાભ મેળવી શકે તે પ્રકારની સળંગ નેટ કનેક્ટિવિટી અપાશે.
તંત્ર દ્વારા પેસેન્જર્સને બીઆરટીએસ બસની અંદર યાત્રા દરમિયાન વાઈફાઈની સુવિધા આપવા માટેના ટેન્ડર પ્રસિદ્ધ કરાયાં છે. હાલમાં બીઆરટીએસના દૈનિક ૧.૬૦ લાખ પેસેન્જર્સ હોઈ તેમાં કુલ ૧૬૩ બસસ્ટેશનને સાંકળતો ૧૦૧ કિ.મી.નો ઓપરેશનલ એરિયા છે. બીઆરટીએસ રોજની ૨૫૫ બસ પેસેન્જર્સ માટે મુકાતી હોઈ તેનાથી તંત્રને રોજનો રૂ. ૨૧ લાખનો વકરો થાય છે. જોકે તંત્ર દ્વારા બહાર પડાયેલા ટેન્ડરમાં ૩૦૦ મહત્તમ બસ તેમજ ટૂંક સમયમાં આવનારી ૧૦૦ ઈલેક્ટ્રિક બસમાં વાઈફાઈની સુવિધા આપવાની બાબતનો સમાવેશ કરાયો છે.
દરેક બીઆરટીએસ બસમાં વાઈફાઈની સુવિધા આપવા માટે રાઉટર લગાવાશે. તેમજ વાઈફાઈ જનરેટ થયાના કારણે વપરાયેલી બેન્ડવિથના આધારે તેની કોસ્ટ ચુકવવી પડશે.