ગુડાનું વર્ષ ૨૦૧૯-૨૦નું ૧૬૮ કરોડની પુરાંત સાથેનું ૩૨૯ કરોડનું બજેટ મંજૂર

518

ગાંધીનગર શહેરી વિકાસ સત્તા મંડળનું વર્ષ ૨૦૧૯-૨૦નું રૂ. ૧૬૮.૧૨ કરોડનું પુરાંતવાળું બજેટ આજની બોર્ડ બેઠકમાં મંજૂર કરવામાં આવ્યું છે. ગત વર્ષ ૨૦૧૭-૧૮માં રૂ.૨૭૭ કરોડનું બજેટ હતું. જેમાં ૫૨ કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

વર્ષ ૨૦૧૯-૨૦ માટેના બજેટનું કદ વધીને રૂ. ૩૨૯.૦૧ કરોડનું થયું છે. જેમાં ગુડા વિસ્તારમાં રોડ, પાણી, સ્ટ્રીટલાઈટ સહિતની માળખાકીય સુવિધાઓથી લઈને એમ્યુઝમેન્ટ પાર્ક, પાર્ટીપ્લોટ, પ્લે-ગ્રાઉન્ડ, લાઈબ્રેરી સહિતની સુવિધા વિકસિત ટીપી વિસ્તારમાં આપવા માટેની જોગવાઈ પણ આ બજેટમાં કરવામાં આવી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વર્ષ ૨૦૨૨ સુધીમાં એકપણ વ્યક્તિ મકાન વગરની ન રહે તે ઉદ્દેશને ધ્યાને રાખીને ગુડાએ પણ ઘર વગરની વ્યક્તિઓને પોતાનું ઘરનું ઘર બને તે માટે થઈને જુદીજુદી એફોર્ડેબલ હાઉસીંગની યોજના પાછળ બજેટમાં ૧૪૪ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

ગુડાની આજે બજેટ બેઠક મળી હતી. જેમાં નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦ માટે સૂચિત અંદાજોમાં શરૂઆતની અંદાજિત પુરાંત સિલક રૂ. ૨૨૧.૭૦ કરોડ રહેશે તથા રૂ. ૨૭૫.૪૩ કરોડની કુલ આવક અને રૂ. ૩૨૯.૦૧ કરોડના ખર્ચના અંદાજો રજૂ કરવામાં આવ્યા છે.

નવા વર્ષના બજેટમાં ગુડા વિસ્તારમાં રહેતા લોકો માટે માળખાકીય સુવિધાઓ ઉપરાંત વાંચકો માટે લાયબ્રેરીની સુવિધાથી લઈને પાર્ટીપ્લોટ, પ્લે-ગ્રાઉન્ડનો પણ વિચાર કરવામાં આવ્યો છે.

ગાંધીનગર શહેરમાં શાકમાર્કેટો છે. ગુડા વિસ્તારમાં રહેતા લોકો છેક ગાંધીનગર શહેરના સેક્ટર-૨૧, ૨૪ કે ૭ની શાકમાર્કેટમાં આવવું પડે છે. તેના બદલે ન્યૂ ગાંધીનગરમાં પણ હવે લોકોની સુવિધા માટે શાકમાર્કેટ ઊભું કરવામાં આવશે. રોડના નિર્માણ માટે રૂ. ૬૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં ગીફ્‌ટ સિટીને કોબા-ગાંધીનગર હાઈવેથી સાંકળતો લિંક રોડ બનાવાશે.

જે માટે ૩૯ કરોડ તથા આંતરિક માર્ગો બનાવવા માટે ૨૧ કરોડની જોગવાઈ કરાઈ છે. ગુડાની ટીપી સ્કીમોમાં રહેણાંકની નવીનવી સ્કીમો તૈયાર થઈ રહી છે. આ નવા વિસ્તારોમાં પાણી વિતરણ વ્યવસ્થા ઉભી કરવા ૨૮ કરોડની જોગવાઈ મુકવામાં આવી છે. આ ઉપરાંત વસતીની ગીચતા અને ટ્રાફિકને ધ્યાને રાખીને ગુડા વિસ્તારમાં અંડરબ્રીજ અને ઓવરબ્રીજ બનાવવાની જરૂરિયાત ઉભી થશે. જે માટે પણ આયોજન બજેટમાં કરાયુ છે.

ગુડા અત્યારે ઉદ્યોગભવન ખાતે કાર્યરત છે. ગુડાનો સ્ટાફ આગામી દિવસોમાં વધશે. તે માટે થઈને હવે એક જ જગ્યાએ બિલ્ડીંગ બનાવવામાં આવે તેવો વિચાર ઘણા દિવસોથી કરાઈ રહ્યો હતો.

Previous articleબીઆરટીએસ બસમાં પેસેન્જરને મફ્ત વાઇ-ફાઇની સુવિધા મળશે..!!
Next articleજયરામભાઇ પટેલ ઇન્સ્ટિટ્યુટ ઓફ બિઝનેસ મેનેજમેન્ટ ખાતે “આરોહણ ૨૦૧૯” નું આયોજન