રાજ્યભરમાં ઠંડીના કેર વચ્ચે સ્વાઈન ફ્લૂએ પણ કાળો કેર વર્તાવ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યભરમાં સ્વાઈન ફ્લૂથી ૮નાં મોત થયા છે જ્યારે ૪૨થી વધુ નવા કેસ નોંધાયા છે. ઠંડી વધતા સ્વાઈન ફ્લૂના વાયરસ વધુ ફેલાય છે જેના કારણે ઠંડીની સાથે જ પોઝિટિવ કેસ વધ્યા છે.
ગુજરાતમાં સ્વાઇન ફ્લુનો કેર જારી રહ્યો છે. આજે સ્વાઇન ફ્લુથી વધુ ૩ના મૃત્યુ થયા છે. આ સાથે જ ગુજરાતમાં છેલ્લા ૧ મહિનામાં સ્વાઇન ફ્લુથી મૃત્તાંક ૩૪ ઉપર પહોંચી ગયો છે. આજે ગુજરાતમાં એક જ દિવસમાં સ્વાઇન ફ્લુના વધુ નવા ૪૨ કેસ નોંધાયા હતા. આમ, ૧ જાન્યુઆરીથી ૧ ફેબુ્રઆરી એમ ૧ મહિનામાં ગુજરાતમાંથી ૭૩૭ વ્યક્તિ સ્વાઇન ફ્લુની ઝપેટમાં આવી ચૂકી છે. આજે વડોદરા શહેર, રાજકોટ જિલ્લા અને રાજકોટ શહેરમાંથી ૧-૧ વ્યક્તિનું સ્વાઇન ફ્લુથી મૃત્યુ થયું હતું. ૨૦૧૯ના વર્ષમાં સ્વાઇન ફ્લુથી સૌથી વધુ મૃત્યુ નોંધાયા હોય તેવા રાજ્યોમાં ગુજરાત બીજા સ્થાને છે. નેશનલ સેન્ટર ફોર ડિસિઝ કન્ટ્રોલ દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર ૨૦૧૯ના વર્ષમાં સ્વાઇન ફ્લુથી રાજસ્થાનમાં સૌથી વધુ ૭૨ જ્યારે ગુજરાતમાં ૩૪ મૃત્યુ નોંધાયા છે. સમગ્ર દેશમાંથી ૧ મહિનામાં ૧૬૯ વ્યક્તિનું સ્વાઇન ફ્લુથી મૃત્યુ થયું છે. બીજી તરફ આજે સ્વાઇન ફ્લુના વધુ ૪૨ નવા કેસ નોંધાયા હતા. જેમાં અમદાવાદ શહેરમાંથી ૧૭, વડોદરા શહેરમાંથી ૬, કચ્છ, ભાવનગર શહેરમાંથી ૪-૪, રાજકોટ-ગીર સોમનાથમાંથી ૨-૨, સુરત શહેર, બનાસકાંઠા, ગાંધીનગર, સાબરકાંઠા, વડોદરા, આણંદ અને ગાંધીનગર શહેરમાંથી ૧-૧ નવા કેસનો સમાવેશ થાય છે. ૧ જાન્યુઆરીથી ગુજરાતમાં સ્વાઇન ફ્લુના ૭૩૭ કેસ નોંધાઇ ચૂક્યા છે. આમ, દરરોજ સરેરાશ ૨૩ વ્યક્તિ સ્વાઇન ફ્લુનો શિકાર બને છે. આ સમયગાળામાં સમગ્ર દેશમાંથી સ્વાઇન ફ્લુના ૪૫૦૦થી વધુ કેસ નોંધાયા છે. ગુજરાતમાં નોંધાયેલા ૭૩૭ કેસમાંથી ૪૧૩ વ્યક્તિએ સ્વાઇન ફ્લુને માત આપી છે. હજુ ૨૯૦ વ્યક્તિ સારવાર હેઠળ છે. હવે ઠંડીમાં ઘટાડા બાદ જ સ્વાઇન ફ્લુ અંકૂશમાં આવશે તેમ તજજ્ઞાોનું માનવું છે.