ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલનું ધારાસભ્ય પદેથી રાજીનામુ : સ્પીકરને રાજીનામા પત્ર સોપ્યો

821

લોકસભા ચૂંટણી પહેલાં જ કોંગ્રેસમાં નારાજગી વધવા લાગી છે. આજે ઉંઝા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય આશાબેન પટેલે ધારાસભ્ય પદેથી અને કોંગ્રેસના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે.

કોંગ્રેસને મોકલેલા રાજીનામાંના પત્રમાં આશાબેને લખ્યું છે કે, રાહુલજીનું નેતૃત્વ નિષ્ફળ ગયું છે, જ્યારે વડાપ્રધાન મોદીએ સવર્ણોને ૧૦ ટકા અનામત આપી છે ત્યારે કોંગ્રેસને નાતિ-જાતિને લડાવવામાં રસ છે.

કોંગ્રેસને મોકલેલા રાજીનામાંમાં આશા પટેલે લખ્યું કે, છેલ્લા એક વર્ષથી વારંવાર પ્રદેશ અને રાષ્ટ્રીય સ્તરે રજૂઆત કરવા છતાં પણ સંગઠન અને ચૂંટાયેલી પાંખ વચ્ચે તાલમેલ સાધવા માટે કોઈ પ્રયાસો કરવામાં આવ્યા નથી. રાહુલજીનું નેતૃત્વ પણ નિષ્ફળ નિવડ્‌યું છે. પ્રજાના પ્રશ્નો પણ હલ કરી શકાતા નથી. અમારા મતવિસ્તારમાં પ્રજાના પ્રશ્નો માટે  અમે સતત લડીએ છીએ અને ત્યારે પાર્ટી તરફથી કોઈ સહકાર મળતો નથી. જેના કારણે અમે અને પ્રજા હેરાન થઈએ છીએ.

હાલ જ્યારે આપણા વડાપ્રધાને ૧૦ ટકા સવર્ણ અનામત આપવાનો પ્રયાસ કર્યો છે ત્યારે કોંગ્રેસ સંગઠન નાતિ-જાતિ અને ધર્મના નામે લોકોને લડાવવામાં રસ લે છે. આ સંજોગોમાં કોંગ્રેસમાં કે કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે કામ કરવું મુશ્કેલ બન્યું છે. આથી હું કોંગ્રેસના તમામ હોદ્દા, સભ્યપદ અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપું છું. કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે ચૂંટાઈને પ્રજાના કામોમાં સહયોગ ન મળતો હોવાથી ચૂંટાયેલ સભ્ય તરીકે ચાલુ રહેવાનો મને કોઈ અધિકાર નથી.

Previous articleગાંધીનગર ખાતે ભારતીય તટરક્ષક દળનો ૪૩મો સ્થાપના દિવસ ઉજવાયો
Next articleખેડબ્રહ્મા ખાતે તાલુકા પંચાયત ભવનનું મંત્રી જયદ્રથસિંહના હસ્તે લોકાપર્ણ