બંગાળમાં કામ કરવા માટે તૃણમૂલ ટેક્સ આપવો પડે છે : નરેન્દ્ર મોદી

531

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના ગઢમાં આક્રમક અંદાજમાં પ્રચાર કરીને ચુંટણી પ્રચારનું રણશીંગુ ફૂંકી દીધું હતું. મોદીએ બંગાળના બિરદાપુર અને ઠાકોરનગરમાં રેલીઓ યોજીને મમતા બેનર્જી અને કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યા હતા. મોદીએ કહ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં કોઈપણ કામને કરવા માટે ત્રિપલ ટી એટલે કે તૃણમૂલ તોલાબાજી ટેક્સ આપવાની જરૂર હોય છે. મોદીએ પોતાના ભાષણમાં બજેટનો પણ ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે આ બજેટ માત્ર ટ્રેલર તરીકે છે. અસલ ચિત્ર ચુંટણી બાદ રજુ કરવામાં આવશે. સામાન્ય બજેટમાં ચિત્ર વધુ સ્પષ્ટ કરીને વધુ રાહતો આપવામાં આવશે. મોદીએ કહ્યું હતું કે ખેડુતોને લોન માફીના નામ ઉપર છેતરવાના પ્રયાસ કોંગ્રેસ અને તેમની પાર્ટીના લોકો દ્વારા કરવામાં આવી રહ્યા છે. હાલમાં જો લોન માફી થઈ છે તેના લાભ કોઈને મળી શક્યા નથી. મોદીએ આ ગાળા દરમિયાન સરકારની યોજનાઓથી લોકોને મળી રહેલા લાભનો ઉલ્લેખ કર્યો હતો. મોદીએ કહ્યું હતું કે ધૈર્ય ખૂબ જરૂરી છે. કારણ કે જે પ્રકારનું વર્તન ટીએમસી દ્વારા ભાજપના કાર્યકરો સાથે કરવામાં આવી રહ્યું છે તેનાથી તમામને પીડા થાય તે સ્વાભાવિક છે. ગઈકાલે રાત્રે પણ આવી જ ઘટના બની ગઈ હતી. કાર્યકરો સાથે એક પછી એક ઘટના બની રહી હતી. બંગાળમાં કાર્યકરોનું સાહસ વધારતા મોદીએ કહ્યું હતું કે તેમનું બલિદાન બેકાર જશે નહીં. સમય લાગે છે પરંતુ જ્યારે દિપક બુઝાઈ જાય છે તે પહેલા તેમાં જ્વાળા વધારે હોય છે. મોદીએ મમતા બેનર્જીનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે તેઓ દિલ્હીમાં વિચારી રહ્યા હતા કે દીદી પોતે સામ્યવાદીઓના શાસનમાં પરેશાન રહી ચુક્યા છે. જેથી તેઓ એ રસ્તા ઉપર આગળ વધશે નહીં પરંતુ લોકોના ઉત્સાહના કારણે તેમની ઉંઘ પણ હરામ થઈ ગઈ છે. તેમને લાગી રહ્યું છે કે લોકશાહીનું ગળુ દબાવીને સામ્યવાદીઓની જેમ વર્તન કરી લેશે. જે સરકારને લોકશાહીની મર્યાદાની પડી નથી, જે સરકારના કર્મચારી પણ એવું જ વર્તન કરે છે તે સરકારનું પતન નિશ્ચિત છે. બંગાળમાં પરિવર્તન ચોક્ક્કસપણે થશે. બંગાળની ધરતી ઘણા દિવસ સુધી અન્યાયને ચલાવશે નહીં. મોદીએ કહ્યું હતું કે અહીંની ધરતીમાં એટલી તાકત રહેલી છે કે માં, માટી અને માનુસના નામ ઉપર સરકાર બનાવવાનો દાવો કર્યા બાદ અને અંધાધૂંધ સરકાર ચલાવ્યા બાદ મમતાને પણ લોકો હટાવીને ઝંપ લેશે. બંગાળમાં ભાજપની વિચારધારા ઝડપથી ફેલાઈ રહી છે. વિવેકાનંદના વિચાર અમારી પાર્ટીમાં છે. મોદીએ કહ્યું હતું કે અહીં ઈન્ફ્રાસ્ટ્રકચરને વિકસિત કરવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. કરોડોના રેલવે પ્રોજેક્ટોનું લોકાર્પણ કરાયું છે. પરિવહનની વ્યાપક સુવિધા છે. બજેટ અંગેની વાત કરતા તેમણે કહ્યું હતું કે છેલ્લા ચાર વર્ષના ગાળામાં બંગાળના વિકાસ માટે બજેટમાં ઘણા પગલા લેવાયા છે પરંતુ મમતાની સરકાર વિકાસને લઈને ગંભીર નથી. ઈન્ફ્રાસ્ટ્રકચરની સ્થિતિ એવી વણસી ગઈ છે કે ૯૦૦૦ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ અટવાઈ પડ્યા છે. રાજ્ય સરકાર સહકાર કરી રહી નથી. ટીએમસ સરકાર એવા પ્રોજેક્ટને હાથ લગાવતી નથી જ્યાં સિન્ડીકેટનું ભલું થતું નથી. બંગાળની સરકાર ગરીબ અને મધ્યમ વર્ગના સપનાને કચડી રહી છે. સબકા સાથ સબકા વિકાસના હેતુસર સરકાર આગળ વધી રહી છે. આ મંત્ર તમામ લોકો માટે છે. બજેટમાં પણ ખાતરી મળી છે. ખેડુતો માટે પણ અનેક જાહેરાતો કરવામાં આવી ચુકી છે. રાજ્યમાં આયુષ્યમાન ભારત જેવી યોજનાઓ લાગુ થતી નથી. આયુષ્યમાનથી ગરીબોનું ભલું થનાર છે પરંતુ તે વ્યક્તિ મોદીનું નામ લેશે. દીદીનું નામ કોણ લેશે આવી સ્થિતિમાં આ યોજના બંગાળમાં લાગુ થઈ રહી નથી.

વડાપ્રધાને માત્ર ૧૪ જ મિનિટમાં ભાષણ ખતમ કરી દેવુ પડ્યુ..?

(જી.એન.એસ)ઠાકુરગંજ,તા.૨

મમતા બેનરજીના ગઢ એવા પશ્ચિમ બંગાળના ઠાકુરગંજમાં પીએમ મોદીની સભાનુ આયોજન થયુ હતુ. આગવી વાકછટાથી ભાષણ કરવા માટે જાણીતા પીએમ મોદી સામાન્ય રીતે પોતાની કોઈ પણ સભામાં ઓછામાં ઓછુ અડધો કલાક તો ભાષણ કરતા જ હોય છે પણ પશ્ચિમ બંગાળની આ સભામાં તેમણે ૧૪ જ મિનિટમાં પોતાનુ ભાષણ પુરુ કરી નાંખ્યુ હતુ. જેની પાછળનુ કારણ હતુ સભામાં  ઉમટી પડેલી બેકાબૂ ભીડ.સભા સ્થળે ધારણા કરતા અનેકગણા લોકો ઉમટી પડ્યા હતા.ભીડ એટલી હદે વધી ગઈ હતી કે તંત્ર માટે ભીડને કાબૂમાં રાખવી લગભગ અશક્ય બની ગયુ હતુ.જેના કારણે પીએમ મોદીએ પોતાનુ ભાષણ ટુંકાવી દીધી હતુ.જેથી ભીડ વિખેરાય અને ધક્કા મુક્કીમાં કોઈ હોનારત ના સર્જાય.

Previous articleચોટીલામાં કુંવરજીનું કાઠું દર્શાવતું મહાસંમેલન, લોકસભા ચૂંટણીને લઈ શક્તિ પ્રદર્શન ગણાયું
Next articleપટનાઃ આક્રોશ રેલીમાં લાઠીચાર્જ, પાર્ટી પ્રમુખ ઉપેન્દ્ર કુશવાહા ઘાયલ