બિહારની રાજધાની પટનામાં રાષ્ટ્રીય લોક સમતા પાર્ટી દ્વારા શનિવારે સરકાર વિરુદ્ધ આક્રોશ રેલી કાઢવામાં આવી હતી. જો કે આ આક્રોશ રેલી દરમિયાન રાષ્ટ્રીય લોક સમતા પાર્ટીના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતા પોલીસે નેતાઓ પર ભારે લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. પ્રાપ્ત અહેવાલ અનુસાર આ લાઠીચાર્જમાં રાલોસપા પ્રમુખ ઉપેન્દ્ર કુશવાહાને પણ ઇજા થઇ હતી. બિહારમાં શિક્ષણ વ્યવસ્થામાં સુધારાઓ લાવવાના મુદ્દે રાષ્ટ્રીય લોક સમતા પાર્ટી દ્વારા રાજધાની આક્રોશ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ માર્ચ ગાંધી મેદાનથી રાજ ભવન સુધી યોજવામાં આવી હતી. જો કે પટનાના ડાકબંગલા ચાર રસ્તા પર પોલીસ અને રાષ્ટ્રીય લોક સમતા પાર્ટીના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. ત્યાર બાદ પોલીસ દ્વારા કાર્યકર્તાઓ પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો.
આ આક્રોશ માર્ચનું નેતૃત્વ ઉપેન્દ્ર કુશવાહા પોતે કરી રહ્યા હતા. જો કે પોલીસ આ રેલીને અટકાવવા માંગતી હતી. રાષ્ટ્રીય લોક સમતા પાર્ટી કાર્યકર્તાઓ આગળ વધવા માટે જીદ કરી રહ્યા હતા. જેના કારણે કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થઇ ગયું હતું. પોલીસે કાર્યકર્તાઓને નિયંત્રીત કરવા માટે લાઠીચાર્જ કરી દીધો હતો.
આ લાઠીચાર્જમાં રાષ્ટ્રીય લોક સમતા પાર્ટીનાં ઘણા કાર્યકર્તાઓ ઇજાગ્રસ્ત થયા હતા. બીજી તરફ ઉપેન્દ્ર કુશવાહાએ પણ દાવો કર્યો કે તેમના પર પણ લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. હાલ તેમની તબિયત બગડવાના પણ સમાચાર છે. તેમને સારવાર માટે પીએમસીએચ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. રાષ્ટ્રીય લોક સમતા પાર્ટીના કાર્યકર્તાઓના ટોળા પર પોલીસ દ્વારા જળપ્રહાર (વોટર કેનન)નો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આજે પટનામાં કોંગ્રેસની જન આકાંક્ષા રેલી
રવિવારે પટનાનાં ઐતિહાસિક ગાંધી મેદાનમાં ૨૮ વર્ષ બાદ કોંગ્રેસ ‘જન આકાંક્ષા’ રેલી યોજવા જઈ રહી છે. આ રેલીને સફળ બનાવવા માટે કાર્યકર્તાઓએ જે પોસ્ટરોમાં પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીને ભગવાન રામનાં અવતારમાં બતાવ્યા છે. તે જ પોસ્ટર હવે રાહુલગાંધી માટે સૌથી મોટી મુશ્કેલી બન્યા છે. આ પોસ્ટરોને કારણે ભાજપે હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચતા રાહુલ સામે ફરિયાદ દાખલ કરાવી છે.