વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટર જોસેફ માતાના નિધનની ખબર બાદ પણ ક્રિકેટ રમતો રહ્યો

710

વેસ્ટ ઈન્ડિઝ અને ઈંગ્લેન્ડની ટીમ એન્ટીગુઆમાં ૩ ટેસ્ટ સીરિઝની બીજી મેચ રમાઈ હતી. પહેલી ટેસ્ટ જીત્યા પછી વિન્ડિઝની બીજી ટેસ્ટમાં પણ પકડ મજબૂત છે.

જોકે, ટીમના ત્રીજા દિવસની શરૂઆત ખૂબ જ ભાવુક રહી હતી. વેસ્ટ ઈન્ડિઝની ટીમ જ્યારે ત્રીજા દિવસ માટે પોતાની કમર કસી રહી હતી ત્યારે તેને ખરાબ સમાચાર મળ્યાં હતાં કે યુવા ઝડપી બોલર અલજારી જોસેફની માતાનું નિધન થયું છે. આ યુવા ખેલાડીની માતા શેરોન જોસેફ લાંબા સમયથી બીમાર હતાં.

આ દુઃખદ સમાચાર સાંભળ્યા બાદ પણ જોસેફે ટીમ સાથે જ રહેવાનો નિર્ણય કર્યો હતો. માતાના નિધનની ખબરથી દુખી જોસેફે ત્રીજા દિવસની રમત પહેલાં ટીમના સાથી ખેલાડીઓ સાથે વોર્મ અપ કર્યું હતું અને ૧૦માં સ્થાન પર બેટિંગ કરવા માટે પણ મેદાનમાં ઉતર્યો હતો.

તેણે ૨૦ બોલ રમીને એક ચોગ્ગાની મદદથી ૭ રન બનાવ્યાં હતાં. તે બેન સ્ટોક્સની ઓવરમાં આઉટ થયો હતો. આ દરમિયાન ત્રીજા દિવસે રમતમાં બન્ને ટીમો જોસેફની માતાને શ્રદ્ધાંજલિ આપવા માટે કાળી પટ્ટી બાંધીને ઉતર્યાં હતાં. ત્રીજા દિવસની રમતની શરૂઆત પહેલા વિન્ડીઝ ટીમના મેનેજર રોલ લુઈસે જણાવ્યું હતું કે, અમને ખૂબ જ દુખભરી ખબર મળી છે કે અમારાં ઝડપી બોલર અલજારી જોસેફની માતાનું નિધન થયું છે. અલજારી અને તેના પરિવાર માટે આ સમય ખૂબ જ દુખભર્યો અને મુશ્કેલ છે. આ દુઃખના સમયમાં અમે બધાં તેની સાથે જ છીએ.

Previous articleફરહાન અખ્તર દોડવીર બાદ બૉક્સર બનશે
Next articleન્યૂઝીલેન્ડને ૩૫ રને હરાવી ભારતે ૪-૧થી સિરીઝ જીતી