દાહોદ જિલ્લામાં જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિ અંતર્ગત પ્રાથમિક શાળાઓ ચાલે છે. ત્યારે શિક્ષણ સમિતિએ શિક્ષિકાઓ માટે ફરજીયાત સાડી પહેરવાના ઠરાવમાંથી મુક્તિ આપી દીધી છે.
અગાઉ દાહોદ જિલ્લામાં ફરજીયાત સાડી પહેરીને આવવાની ફરજ પડાતા વિરોધનો વંટોળ ઉભો થયો હતો, અને આખરે જિલ્લા પ્રા. શિ.અધિકારી શિક્ષિકો બહેનોને સાડીમાંથી મુક્તિ આપી છે. હવે શિક્ષિકા બહેનોને શિક્ષિકા તરીકે છાજે તેવો પહેરવેશ પહેરવા જિલ્લા પ્રા. શિ.અધિકારીઓએ સુચના આપી છે.
દાહોદ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ હસ્તક ૧૬૫૦ જેટલી સરકારી પ્રાથમિક શાળાઓ કાર્યરત છે. જેમાં કુલ ૧૧,૨૪૨ જેટલા શિક્ષકો પ્રાથમિક અને ઉચ્ચતર પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવે છે, જેમાં ૪૩૭૦ જેટલી શિક્ષકાઓનો સમાવેશ થાય છે.
અગ્રાઉ સમગ્ર જિલ્લામાં શિક્ષકો કે શિક્ષિકાઓ માટે કોઇ પણ પ્રકારનો ગણવેશ નક્કી કરવામાં આવ્યો નથી કે તેવો કોઇ પરિપત્રમાં પણ ઉલ્લેખ કરાયેલો નથી. તેમ છતાં મોટે ભાગે શાળામાં શિક્ષકો પેન્ટ શર્ટ અને શિક્ષિકાઓ સાડી પહેરીને ફરજ બજાવવા આવતા હોય છે. અગાઉ શિક્ષણ સમિતિમાં કુલ સાત સભ્યો હતા, તે પૈકી ચેરમેન સહિત ચાર મહિલા સભ્યો હતા. જેઓની સંમત્તિથી જ ફરજીયાત સાડી પહેરવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો. પરંતુ તેનો વિરોધ થતા શિક્ષિકો બહેનોને ફરજિયાત સાડી પહેરીને આવવાના નિયમમાંથી મુક્તિ અપાઇ છે, પરંતુ જિલ્લા પ્રા.શિ. અધિકારીઓ દ્વારા શિક્ષિકો બહેનોને કહેવામાં આવ્યું છે કે, શિક્ષિકા તરીકે છાજે તેવો પહેરવેશ પહેરવામાં આવે.