બે મહિલા અને બે પુરૂષ સ્વાઇનફ્‌લુના સંકજામાં : જિલ્લામાં કુલ દર્દી ૧૧ થયા

575

સ્વાઇનફ્‌લુના વકરતા જતા પંજામાં વધુ ચાર લોકો સપડાતા કુલ આંક ૧૧એ પહોંચ્યો છે. ઝુંડાલની વૃદ્ધા અને પ્રાંતિયાની યુવતી ઉપરાંત અમરાજીના મુવાડા તથા મોટા જલુન્દ્રાના બે વૃદ્ધો સ્વાઇનફ્‌લુની ઝપટમાં આવતા હોસ્પિટલાઇઝ કરાયા છે. સ્વાઇનફ્‌લુના સંકજામાં આવેલા ચારેયના સગાઓને પણ ટેમીફ્‌લુની દવાઓ અપાઈ છે.

જિલ્લામાં ગોકળગતિએ વધી રહેલી સ્વાઇનફ્‌લુની બિમારીએ એકદમ છલાંગ લગાવી હોય તેમ એક દિવસમાં ચાર લોકોને શિકાર બનાવ્યા છે. સ્વાઇનફ્‌લુના નિયંત્રણ માટે જિલ્લાના આરોગ્યતંત્ર દ્વારા વિવિધ પ્રકારના પગલાં લેવામાં આવી રહ્યા છે. જેમાં શહેરના ખાનગી તબિબો તેમજ આરોગ્ય કેન્દ્રના તબિબોને શરદી-ખાંસીના દર્દીઓનું યોગ્ય નિદાનની સુચના આપી છે.

બિમારીની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ટેમીફ્‌લુની ગોળી આપવાની જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા તાકિદ કરી છે. તેમ છતાં સ્વાઇનફ્‌લુ નિયંત્રણમાં આવવાને બદલે બેકાબુ બની રહ્યો હોય તેમ આજરોજ નોંધાયેલા ચાર કેસ પરથી લાગી રહ્યું છે.

શહેરી વિસ્તારની સરખામણીમાં ગ્રામ્ય વિસ્તારોમાં સ્વાઇનફ્‌લુના કેસોમાં વધારો થયો છે. આથી જિલ્લામાં સ્વાઇનફ્‌લુના કેસનો આંક ડબલ ડિઝીટમાં પહોંચ્યો છે. એક દિવસમાં નોંધાયેલા ચાર કેસમાં ત્રણ વૃદ્ધો અને એક યુવતીનો સમાવેશ થાય છે. જેમાં ઝુંડાલમાં રહેતા ૬૨ વર્ષીય વૃદ્ધા સુઘડ પીએસસીમાં સારવાર લઇ રહ્યા હતા.

જ્યારે પ્રાંતિયાની ૨૫ વર્ષીય યુવતી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર લેતી હતી. જ્યારે અમરાજીના મુવાડાના ૭૦ વર્ષીય વૃદ્ધ પાલુન્દ્રા પીએચસીમાં અને મોટો જલુન્દ્રાના ૬૧ વર્ષીય વૃદ્ધા સહિત ચારેયનો સ્વાઇનફ્‌લુ રિપોર્ટ પોઝીટીવ આવતા તેમને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે.

ઉપરાંત તેમના સગાઓને પણ ટેમીફ્‌લુની ગોળી આપવામાં આવી. ઉલ્લેખનીય છે કે સ્વાઇનફ્‌લુથી જિલ્લામાં અત્યાર સુધી બે વ્યક્તિઓના મોત નિપજ્યા છે. જેમાં એક બાળકી અને એક આધેડનો સમાવેશ થાય છે. સ્વાઇનફ્‌લુના વધતા જતા કેસોને પગલે લોકોમાં જાગૃત્તિ કેળવવા માટે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા અવરનેસ કાર્યક્રમો કરવાની આરોગ્ય કેન્દ્રોને સુચના આપવામાં આવી છે.જો જિલ્લામાં આ અંગે કાળજી રાખવામા નહિ આવે તો આવી બીમારી વધુ વકરે તેમ છે.

Previous articleસે.-૨૪ના ઇન્દિરાનગરમાં ઝાડા-ઉલટીના ૩૦ કેસથી તંત્ર હરકતમાં
Next article૧૩૩ વર્ષ જુની શાળા તંત્રએ કરી બંધ, વિદ્યાર્થીઓ-શિક્ષક રડી પડ્‌યા