વિસાવદરનાં જેતલવડમાં સામૂહિક આત્મહત્યાની એક ઘટના સામે આવી છે. જેતલવડ માં એક માતાએ પોતાનાં ૪ બાળકો સાથે કૂવામાં ઝંપલાવ્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ ગ્રામજનોએ બાળકોની શોધખોળ શરૂ કરી હતી.
આ દરમ્યાન ૩ બાળકી અને માતાનું મોત થયું છે. જ્યારે ગ્રામજનોએ એક બાળકને બચાવ્યો હતો. માતાએ ઘરકંકાસથી કંટાળીને બાળકો સાથે પગલું ભર્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે જેતલવાડ ગામે ચારણ પરિવારની એક મહિલા (જીવુબેન કાળુભાઇ વિરમ)એ પોતાની બે દીકરીઓ અને બે દીકરાઓ સહિત એક ઉંડા કુવામાં ઝંપલાવ્યું હતું. જેમાં માતા સહિત બે દીકરી અને એક દિકરાનું મોત નિપજ્યું હતું. જ્યારે એક સાત વર્ષનાં બાળકને બચાવી લેવાયો છે. જેથી તેને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે.
જો કે આ ઘટનાની જાણ થતાં જ તુરંત ઘટનાસ્થળે વિસાવદર પોલીસનો કાફલો, ૧૦૮ અને ગ્રામજનો પણ દોડી આવ્યાં હતાં. તેમજ તરવૈયાઓ દ્વારા કુવામાં શોધખોળ હાથ ધરાઇ હતી. જો કે હવે પોલીસે આ સમગ્ર ઘટનાને લઇને પરિવારજનોનાં નિવેદનો લેવાની તજવીજ હાથ ધરી છે.