ગોધરામાં એક કાર્યક્રમ દરમિયાન સાંસદ પ્રભાતસિંહ ચૌહાણે બફાટ કર્યો હોવાનો વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં પ્રભાતસિંહ ચૌહાણ કહી રહ્યાં છે કે ગોધરા સ્ટેશન પર બે ટ્રેનના સ્ટોપેજ માટે રેલ મંત્રીને ટ્રેનના પાટા પર સુઈ જવાની ધમકી આપી ત્યારબાદ સ્ટોપેજ મળ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ, પંચમહાલના સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ ગોધરા રેલવે સ્ટેશન પર ગરીબ રથ અને કોચુવેલ્લી ટ્રેનના સ્ટોપેજના સ્વાગત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતા. આ કાર્યક્રમમાં તેમણે બફાટ કર્યો હતો કે આ બંને ટ્રેનનો ગોધરા ખાતે સ્ટોપેજ મેળવવા માટે તેમણે રેલવે મંત્રીને ધમકી આપી હતી કે જો સ્ટોપેજ નહીં મળે તો તે પાટા પર સુઈ જશે. વધુમાં તેમણે રેલવે અંગેનું અજ્ઞાન પણ દર્શાવ્યું હતું. પ્રભાતસિંહે જણાવ્યું હતું કે રેલવેની આવકમાં સૌથી મોટો હિસ્સો ગુજરાતનો છે. પ્રભાતસિંહે દિલ્હીમાં મંત્રી પદ ધરાવતા એક સાંસદની બોલબાલા હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણી નજીક હોવાથી મતદારોને આકર્ષવા માટે આ પ્રકારની તરકીબો અપનાવતા હોય છે, પરંતુ જો ભાજપ સાસંદની વાત સાચી હોય તો તે આશ્ચર્યજનક બાબત પણ છે.