રાજ્યભરમાં સ્વાઈન ફ્લુના રોગે ભરડો લીધો છે ત્યારે ભાવનગરથી સર ટી. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ૧ મહિલા એક પુરૂષ મળી કુલ બે વ્યક્તિઓના આજે સારવાર દરમ્યાન મૃત્યુ થતા હાહાકાર મચી જવા પામ્યો છે. હાલમાં સર ટી. હોસ્પિટલમાં ૧૭ પોઝીટીવ અને બે શંકાસ્પદ દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે.
શિયાળાની કાતીલ ઠંડી પડી રહી છે તેના કારણે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં સ્વાઈન ફ્લુના રોગચાળાએ ભરડો લીધો છે. જ્યારે ભાવનગરમાં પણ સ્વાઈન ફ્લુના દર્દીઓની સંખ્યામાં દિન-પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. જેમાં આજે વધુ પાંચ પોઝીટીવ દર્દીઓ વધતા કુલ પોઝીટીવ દર્દીઓની સંખ્યા ૧૭ થવા પામી છે. જ્યારે બે દર્દીઓ શંકાસ્પદ હાલતમાં સારવાર લઈ રહ્યાં છે. દરમ્યાન ગત તા.ર૯ના રોજ બોટાદના કાનીયાડ ગામના બાવન વર્ષિય વ્યક્તિને ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં સ્વાઈન ફ્લુની સારવાર માટે દાખલ કરાયેલ. જ્યાં આજે બપોરના સમયે તેનું સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું.
આ ઉપરાંત ગઈકાલે પાલીતાણા તાલુકાના ઠાડચ ગામની પચાસ વર્ષિય મહિલાને સર ટી. હોસ્પિટલમાં સ્વાઈન ફ્લુ વોર્ડમાં સારવાર અર્થે દાખલ કરાયેલ. જ્યાં આજે સાંજના સમયે તેમનું સારવાર દરમ્યાન મોત થતા એક જ દિવસમાં સ્વાઈન ફ્લુથી બે વ્યક્તિના મોત થતા હાહાકાર મચી જવા પામ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, છેલ્લા ત્રણ દિવસમાં સર ટી. હોસ્પિટલમાં સ્વાઈન ફ્લુથી પાંચ વ્યક્તિઓના મૃત્યુ થયા છે ત્યારે તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવા અને માસ્ક પહેરવા પણ સલાહ અપાઈ છે અને જરા પણ શરદી, ઉધરસ અને તાવ જણાય તો તાત્કાલિક ડોક્ટર પાસે ચેકઅપ કરવા પણ સલાહ આપવામાં આવી છે.