ભારતીય ક્રિકેટ ટીમ સોમવારે આઈસીસી વનડે રેન્કિંગમાં બીજા સ્થાને પહોંચી ગઈ છે, જ્યારે કેપ્ટન વિરાટ કોહલી અને ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ક્રમશઃ બેટ્સમેનો અને બોલરોની યાદીમાં સર્વોચ્ચ સ્થાને યથાવત છે. આઈસીસીએ કહ્યું કે, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ સિરીઝ જીત્યા બાદ ભારતીય ટીમના ૧૨૨ પોઈન્ટ થઈ ગયા છે અને ટીમ ઈંગ્લેન્ડ (૧૨૬) બાદ બીજા સ્થાન પર ચાલી રહી છે.
ગત મહિલા ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ શાનદાર પ્રદર્શનની મદદથી મહેન્દ્ર સિંહ ધોનીના રેન્કિંગમાં સુધાર થયો છે. તે સિરીઝનો સર્વશ્રેષ્ઠ ખેલાડી પસંદ કરવામાં આવ્યો હતો. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ત્રણ અડધી સદી ફટકારનાર ધોની ત્રણ સ્થાનના ફાયદા સાથે ૧૭માં સ્થાને પહોંચી ગયો છે.
ભારત વિરુદ્ધ પાંચ મેચોની સિરીઝમાં ૧૨ વિકેટ ઝડપનાર ન્યૂઝીલેન્ડનો ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટ ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. ભારતે આ સિરીઝ ૪-૧થી કબજે કરી હતી. બોલ્ટે ચોથી વનડેમાં ઘાતક બોલિંગ કરતા ૨૧ રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. તેના સાત સ્થાનનો ફાયદો થયો છે.
બોલ્ટ જાન્યુઆરી ૨૦૧૬માં બોલરોના રેન્કિંગમાં ટોપ પર હતો અને હવે તેની પાસે ફરી એકવાર ટોપ પર પહોંચવાની તક છે. અત્યારે તેનાથી આગળ માત્ર બુમરાહ અને અફગાનિસ્તાનનો સ્પિનર રાશિદ ખાન છે.
લેગ સ્પિનર યુજવેન્દ્ર ચહલ (એક સ્થાનના ફાયદાથી પાંચમાં સ્થાન પર) અને ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર (૬ સ્થાનના ફાયદાથી ૧૭માં સ્થાન પર)ના રેન્કિંગમાં પણ ઘણો સુધાર થયો છે.
આ નવા રેન્કિંગ દરમિયાન ન્યૂઝીલેન્ડ સિરીઝ પહેલા ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ભારતની વનડે સિરીઝ, દક્ષિણ આફ્રિકા અને પાકિસ્તાન વચ્ચે પાંચ મેચોની સિરીઝ અને સંયુક્ત અરબ અમીરાત અને નેપાળ વચ્ચે ત્રણ મેચોની સિરીઝના પ્રદર્શનને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યું છે.