ગુડાના હાઉસીંગમાં યોગ્ય તપાસ થાય તો પ૦ ટકા મકાનો ભાડેઃથોડા મકાનો સીલ કરી ગુડાએ સંતોષ માન્યો

556

પાટનગરની બહારના વિસ્તારમાં ગાંધીનગર શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા વિવિધ આર્થિક વર્ગના પરિવારો માટે ૨ હજાર આવાસ બાંધવામાં આવ્યા છે. તમામ ફ્‌લેટ ટાઇપ કોલોનીમાં મકાન મેળવનાર લાભાર્થીઓને મકાન રહેવા માટેના હેતુથી ફાળવાયા છે. આ મકાન ભાડે આપી શકાતા નથી. જો કે ખરેખર તપાસ કરવામાં આવે તો પ૦ ટકાથી વધારે મકાનો ભાડે આપેલા છે. અને મોટા ભાગના ઈન્વેસ્ટરોએ મકાન લીધા પછી રહેવાનું શરુ જ કર્યું નથી.

આ અંગે મળતી માહિતી અનુસાર ઘણા લાભાર્થીઓ દ્વારા આ શરતનો ભંગ કરવામાં આવતો હોવાની મળી રહેલી ફરિયાદોના પગલે ગુડાની બાંધકામ શાખા દ્વારા એકાદ મહિનાથી વધુ સમય સુધી વોચ રાખ્યા બાદ રાયસણમાં પંડિત દિનદયાલ નગરમાં ભાડેથી અપાયેલા ૪ આવાસ શોધી કાઢીને તેને તાળા મારી દેવાની સાથે ઉપરોક્ત લાભાર્થીના આ ફ્‌લેટ જપ્ત કરી લીધા છે. મકાન ભાડે આપવાની મનાઇ હોવા છતાં તેનો ભંગ કરતા લાભાર્થીઓને શોધવા અડાલજ તથા ચિલોડામાં પણ તપાસ કરવામાં આવશે. ગાંધીનગર શહેરી વિકાસ સત્તા મંડળના મુખ્ય કારોબારી અધિકારી જી સી બ્રહ્મભટ્ટના જણાવવા પ્રમાણે લાભાર્થીઓને માત્ર ૬.૫૦ લાખ જેવી મામુલી રકમથી આશરો બની રહે તેના માટે સરકારી સહાય, સબસીડી સાથે ૧ બેડરૂમ, હોલ કિચન સહિતની સુવિધા ધરાવતા ફ્‌લેટ ટાઇપ આવાસ ફાળવવામાં આવ્યા છે. લાભાર્થીઓ આ મકાન ૭ વર્ષ સુધી કોઇને વેચી શકતા નથી.

આ ઉપરાંત લાભાર્થીએ તેનો રહેવા માટે જ ઉપયોગ કરવાનો છે, તે કોઇને ભાડે આપીને કમાણી કરી શકતા નથી. મકાન માટે લાભાર્થી અરજી કરે તેની સાથે જ આ શરતો હોવા છતાં રાયસણની એલઆઇજી ૧ વસાહતમાં આવા ૪ કિસ્સામાં મકાન જપ્ત કરી લતા આવી પ્રવૃતિ કરતા અન્ય તત્વોમાં પણ ભારે ફફડાટ ફેલાઈ ગયો છે. ગુડાના આવાસ લાભાર્થીઓ દ્વારા ભાડે આપવાના કિસ્સામાં વ્યાપક તપાસ શરૂ કરવામાં આવી છે. લાભાર્થી પાસેથી મકાન જપ્ત કરી લેવા ઉપરાંત શંકાસ્પદ મળી આવેલા ૨૫ કિસ્સામાં ગુડાના અધિકારીઓ દ્વારા સંબંધિત લાભાર્થીઓને નોટિસ ફટકારીને સમય મર્યાદામાં ખુલાસા રજૂ કરવાની તાકીદ કરી દેવામાં આવી છે.

Previous articleચાર્જિંગ વખતે જાણીતી કંપનીનાં મોબાઈલમાં ખતરનાક બ્લાસ્ટ
Next articleગુજરાત કોંગ્રેસમાં ભભૂકતો અસંતોષ, પ્રમુખ અમિત ચાવડા સામે બળવાના એંધાણ