ખાનગી મંદિરને રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા કરોડોની ગ્રાન્ટ : વિવાદ

883

ઉમરપાડાના વાડી ગામે બે ખાનગી મંદિરને લઇ રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા ૮ કરોડથી વધુની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. આ ગ્રાન્ટને લઇ વાડી વિસ્તારના નિવૃત કલેકટર જગતસિંહ વસાવા દ્વારા ગંભીર આક્ષેપ સાથે નામદાર કોર્ટમાં ફરિયાદ દાખલ કરતા મંદિરની ગ્રાન્ટને લઇ ભારે વિવાદ થવા પામ્યો છે.

ઉમરપાડાના વાડી ગામે શ્રી નિરાંત રામજી મંદિર અને ભાથીજી મંદિરના નિર્માણ માટે રાજ્યના પ્રવાસન વિભાગ માંથી ૮.૮૦ કરોડની ગ્રાન્ટ ફાળવી છે અને હાલ બંને મંદિરનું કામ ચાલી રહ્યું છે. ત્યારે વાડી ગામના નિવૃત આઈ.એ. એસ અને હાઇકોર્ટના વકીલ જગતસિંહ વસાવાએ મંદિરની ગ્રાન્ટને લઇ નામદાર હાઇકોર્ટમાં પી.આઈ.એલ કરતા ભારે વિવાદ થયો છે.

પૂર્વ આઈ.એ.એસ જગતસિહ વસાવા દ્વારા વાડી ગામના બે મંદિરને લઈને નામદાર કોર્ટમાં પી.આઈ.એલ કરવામાં આવી છે. માત્ર ૩ હજારની વસ્તી ધરાવતા વાડી ગામે નીતિ નિયમ વિરીદ્ધ ગ્રાન્ટ ફાળવી પ્રજાના ટેક્ષના રૂપિયા વાપરી રહ્યા છે. આ મંદિર કોઈ પ્રવાસન ધામ નથી ખાનગી મંદિર છે અને આ ખાનગી મંદિરમાં ૮ કરોડથી વધુ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી ભ્રષ્ટાચાર કર્યો છે સાથે વન પ્રવાસન મંત્રી ગણપત વસાવા સામે અગાઉ પણ અપ્રમાણસર મિલકત મુદ્દે કોર્ટમાં ફરિયાદ કરી હતી જેની તપાસ ચાલી રહી છે.

હાલમાં વાડી ગામના બે મંદિરને લઈને નામદાર હાઇકોર્ટમાં પી.આઈ.એલ કરતા સાધુ સંતો અને ભાજપ કાર્યકરોમાં રોષ ફાટી નીકળ્યો છે આજે સંતો, મહિલાઓ અને ભાજપ કાર્યકરો મોટી સંખ્યામાં ઉમરપાડા તાલુકા મથકે ભેગા થઇ એક સભા કરી હતી અને જગત સિંહના પુતરાનું દહન કરી રેલી સ્વરૂપે મામલતદાર કચેરી પહોંચી આવેદન પત્ર પણ આપ્યું હતું.

એક તરફ મંદિરની ગ્રાન્ટને લઈ કોર્ટમાં ગયેલા જગતસિહ વિરુદ્ધ ભાજપ કાર્યકરો અને સંતો કેબીનેટ મંત્રીના સમર્થનમાં આગળ આવી જગતસીહનો વિરોધ કરી રહ્યા છે. જોકે જગતસિહએ કહ્યું હતુ કે મેં નામદાર કોર્ટમાં ફરિયાદ કરી છે. હું ખોટો હોવ તો નામદાર કોર્ટ મને ઠપકો આપશે પણ કેબીનેટ મંત્રી સામે અવાજ ઉઠાવ્યો એટલે મારો વિરોધ એ લોકો કરી રહ્યા છે જેઓએ કેબીનેટ મંત્રી પાસેથી કોઈને કોઈ ફાયદો ઉઠાવ્યો છે.

મારો સામાજિક બહિષ્કાર કરી પુતળું સળગાવી વિરોધ કર્યો એ મારો વિરોધ નથી આદિવાસી સમાજનો વિરોધ છે. જો કેબીનેટ મંત્રી સાચા હોય દુધે ધોયેલા હોય તો કોર્ટ નક્કી કરશે. શા માટે મારા પર દબાણ લાવી અરજી પછી ખેંચવા દબાણ કરી રહ્યા છે.

Previous article૧૫ ફેબ્રુઆરીએ રાહુલ ગાંધી એક દિવસીય ગુજરાતના પ્રવાસે
Next articleટંકારામાં બે જૂથ વચ્ચે પથ્થરમારો-મારામારી, ૯ લોકો ઈજાગ્રસ્ત