ભાવનગર શહેર ભાજપ પ્રમુખ અને પૂર્વ મેયર સનતભાઈ મોદીએ વિધાનસભાની ચૂંટણી ભાજપની પૂર્વ અને પશ્ચિમ સીટો ઉપર ભાજપના બન્ને ઉમેદવારો જીતશે તેવો ભારપૂર્વક નિર્દેશ કર્યો છે. પૂર્વ અને પશ્ચિમના બેઠકોના મતદાનો થઈ ગયા પછી સતન મોદીએ ‘લોકસંસાર’ સાથે સીધી વાતચીત કરતા તેમણે ભારપૂર્વક સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, બન્ને બેઠકો પર ભાજપના ઉમેદવારો જીતશે.
મોદીએ શહેરની બન્ને બેઠકો અંગે જીતની વાત કરતા એવું પણ જણાવી દીધુ કે વિધાનસભાની ૧૮ર બેઠકોમાંથી ૧૦૯થી માંડીને ૧૧પ બેઠકો ભાજપ જીતશે અને સરકાર બનાવશે તેવી પણ ઉત્સાહમાં વાત જણાવી છે. જોકે ભાજપના કોઈ આગેવાનો આવી જીત માટેની વાત કરવાથી અળગા રહ્યાં જેવી સ્થિતિ રહી છે ત્યારે મોદીએ રાંધ્યા પહેલા લાપસીનું નામ પાડ્યા જેવી વાત કરીને જશ માટે પ્રથમ છલાંગ મારી છે. જોઈએ ૧૮મીના પરિણામો…
બીજી બાજુમાં જિલ્લાની વિધાનસભાની પાંચ બેઠકો અને શહેરની પૂર્વ અને પશ્ચિમ વિધાનસભાની બેઠકોના કોંગ્રેસ ઉમેદવારો માટે શહેર-જિલ્લાના કોંગ્રેસના કોઈ આગેવાનો આવી બેઠકો પર કોંગીના ઉમેદવારોની જીતની વાત કરવા આધાર રહ્યાં છે ત્યારે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ઝવેરભાઈ ભાલીયાએ ‘લોકસંસાર’ સાથે સીધી વાત કરતા શહેરની બન્ને અને જિ.ની પાંચ બેઠકો મળીને સાતે બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોની જીત થશે તેવી વાત દોહરાવી છે. જો કે તેમણે એવી પણ વાત કરી કે લાંબા સમય પછી ચૂંટણીમાં કોંગ્રેસ માટે સાનુકુળ લોક વાતાવરણ ઉભુ થયું છે. તેનો કોંગ્રેસને લાભ મળશે તેમ ભારપૂર્વક કહ્યું હતું.
જિલ્લાની પાંચ અને શહેરની બે બેઠકો માટે હાર જીતની વાત રેવાથી દુર રહીને ઘણાએ એવી વાતો કરી કે આ ચૂંટણી છે. ભરેલા નાળીયેર જેવી સ્થિતિ છે અને લોકોની રાજકિય અકળ ગતિ જાણવવી મુશ્કેલ બને છે ત્યારે કોંગ્રેસ-ભાજપના બે ત્રણ આગેવાનોએ આવી ઉતાવળે વાતો છેડી છે. તેના રાજકિય પ્રત્યાઘાતો પડવાનો સંભવ છે. કારણ કે કોંગ્રેસમાં ભાલીયા લાંબા વખતથી સાઈડમાં ધકેલા છે અને સનત મોદીની વાત જોડે સહમત-અસહમતના વાદળો છવાયેલા રહે છે તેવા સમયે તા.૧૮મી ડિસેમ્બરના ચૂંટણી પરિણામો આવી વાતો સાથે કેટલા અંશે સમર્થન આપે છે તે જોવાનું રહે છે.