હાલના દિવસોમાં શહેરમાં સાંજ તથા વહેલી સવારના સમયમાં મસી નામની જીવાતનો ઉપદ્રવ એક અઠવાડીયાથી દિન-પ્રતિદિન વધતો જાય છે. જેના કારણે રાહદારીઓને રસ્તા પરથી પસાર થતા હાલાકી ભોગવવી પડે છે તથા બિમારી ફેલાવાનો ડર પણ નાગરીકોમાં રહેલો છે.
ભૂતકાળના વર્ષોમાં પણ જ્યારે જ્યારે ઋતુમાં બદલાવ આવતો હોય છે તેવા દિવસોમાં સ્વચ્છતાના અભાવે મસી જીવાતનો ઉપદ્રવ વધી ગયેલ હતો અને પરિણામે ઘણા નાગરીકોને આંખોમાં બળતરા, એલર્જીના લક્ષણો તથા ખુલ્લા ખાદ્ય પદાર્થોમાં આ જીવાતના કારણે નાની-મોટી બિમારીનો ભોગ બનવું પડ્યું હતું. જ્યારે હાલના દિવસોમાં જો તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે શહેરમાં જંતુનાશક દવાનો છંટકાવ નહીં કરવામાં આવે તો પરિસ્થિતિ વકરે તેવી ભીતી રહેલ છે. વળી તાજેતરના દિવસો જોઈએ તો નગરપાલિકા ગારિયાધાર જાણે સ્વચ્છતાનું મોડેલ બનવા જઈ રહ્યું હોય તેવી રીતે નગરજનોને મોબાઈલમાં સ્વચ્છતા એપ ડાઉનલોડ કરાવતું દેખાય છે. જ્યારે શહેરના માર્ગો પર પડેલા ધુળ તથા કચરા તેમજ હાલના દિવસોમાં આ મસી નામની જીવાત જ ઉડતી જોવા મળે છે ત્યારે આ બાબતો જોતા તંત્ર જાણે માત્ર ચોપડે જ સ્વચ્છ રહીને જાણે પ્રજાની આંખોમાં ધુળ નાખતું હોય તેવું નગરજનોમાં ચર્ચાઈ રહેલ છે. જ્યારે આ બાબતે તંત્ર જાગૃત થઈને તાત્કાલિક ધોરણે કાર્યવાહીનો પ્રારંભ કરે તેવી નગરજનોની માંગણી છે.