નીચા કોટડા કેસમાં ૯ર લોકો સામેની ફરિયાદ પાછી ખેંચવાની માંગ સાથે કલેક્ટરને આવેદન

1365

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના નીચા કોટડા મુકામે કોળી સમાજના બહેનો અને ભાઈઓ પ્રાઈવેટ કંપની પથ્થરની ખાણોમાંથી પથ્થર કાઢવાનું કામ ન કરે તે માટે મૌન રહી વિરોધ પ્રદર્શિત કરવા એકઠા થયા હતા, તે દરમ્યાન પોલીસ ખાતા દ્વારા મહિલાઓ અને પુરૂષો ઉપર અમાનુષીવર્તન કરવામાં આવેલ અને ૯ર વ્યક્તિઓ ઉપર આઈપીસી કલમ-૩૦૭ જેવા ગંભીર ગુન્હા દાખલ કરવામાં આવેલ અને તમામની ધરપકડ કરવામાં આવેલ અને મોટાભાગના મહિલા અને પુરૂષોને માર મારવામાં આવેલ છે તે અંગે નામદાર કોર્ટમાં ક્રિમીનલ એપ્લીકેશન કરતા નામદાર ગુજરાત હાઈકોર્ટે દોષીતો સામે કાર્યવાહી કરવા આદેશ આપેલ છે.

આ સ્થિતિમાં સ્વયં સ્પષ્ટ છે કે કોળી સમાજની વયોવૃધ્ધા મહિલાઓ તેમજ વયોવૃધ્ધ પુરૂષો અને અશક્ત ભાઈઓ-બહેનો ૩૦૭ જેવા ગુન્હામાં સંડોવાયેલા નથી અને વિશેષમાં આવડી મોટી સંખ્યામાં ૯ર વ્યક્તિઓ ઉપર જે ગુન્હો દાખલ કરેલ છે તે સ્વાભાવિક રીતે જ તદ્દન ગેરકાયદેસર અને મનસ્વી રીતે કરવામાં આવેલી કાર્યવાહી હોવાનું સ્પષ્ટ રીતે ફલીત થાય છે ત્યારે કોળી સમાજના ૯ર વ્યક્તિઓ ઉપર કરેલ કેસ સરકાર પાછો ખેંચી લે તેવી માંગ સાથે આજે કોળી સમાજના આગેવાનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. જો કેસ પાછા નહીં ખેંચાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી પણ આપવામાં આવેલ.

Previous articleકાળીયાબીડના યુવાનના હત્યારાઓને ઝડપી લેવાની વલ્લભીપુરમાં થયેલી માંગ
Next articleખેડુતોની ઉપવાસી છાવણીમાં નારણભાઈની તબીયત લથડી