ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ તરફથી ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)ના ચાંદખેડા કેમ્પસમાં નોલેજ કોન્સોર્શિયમ ઑફ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે મેગા પ્લેસમેન્ટ કેમ્પનું ઉદઘાટન થયું. જેમાં કેમ્પના પહેલા જ દિવસે ૯૬ કંપનીઓએ ૬૬૩ને શોર્ટલિસ્ટ કર્યા હતા. કુલ ૯૨૫ નોકરીઓ માટે ૧૮૪૬ વિદ્યાર્થીઓના ઈન્ટરવ્યુ થયા હતા. વિદ્યાર્થીઓને એક જ પ્લેટફોર્મ પરથી રોજગારીની તકો મળી રહે તથા કંપનીઓને ખાલી જગ્યાઓ માટે પસંદગી કરવા બહોળા પ્રમાણમાં વિદ્યાર્થીઓ મળી રહે તે હેતુથી ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ ધ્વારા સમગ્ર રાજ્યમાં ૨૮ જાન્યુઆરી થી ૧૩ ફેબ્રુઆરી દરમ્યાન ૨૩ પ્લેસમેન્ટ કેમ્પ નું આયોજન કરવામાં આવેલ છે. આ કેમ્પમાં સરકારી કૉલેજો તથા ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગ સાથે સંકળાયેલી ગ્રાન્ટ-ઈન-એડ કૉલેજોના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ભાગ લઇ રહ્યા છે.
આ નોકરી ભરતી શિબિરોના આયોજન અંતર્ગત અમદાવાદ અને ગાંધીનગર (ઝોન-૧, નોડ-૨)નો મેગા પ્લેસમેન્ટ કેમ્પ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સીટીના કેમ્પસમાં ૪ અને ૫ ફેબ્રુઆરીએ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ તથા કમિશનર, ટેકનિકલ શિક્ષણ નિયામકની કચેરીનાં માર્ગદર્શન હેઠળ યોજવામાં આવી રહ્યો છે.
જેનું ઉદ્ઘાટન રાજ્યના ઉર્જા મંત્રી માનનીય શ્રી સૌરભભાઈ પટેલ ધ્વારા કરવામાં આવ્યું હતું. કેમ્પમાં અતિથિવિશેષ તરીકે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના અગ્રસચિવ અંજુ શર્મા તેમજ સીઆઈઆઈ-ગુજરાતના ઉપ-પ્રમુખ રાજુભાઈ શાહ ઉપરાંતટેકનિકલ શિક્ષણ કમિશનર અવંતિકા સિંહ ઉપસ્થિત હતા. આ કેમ્પ માટે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીઓની નોંધણીથી માંડીને તેઓની સંપૂર્ણ બેઠક વ્યવસ્થા, રોજગાર અંગેની મહત્વની માહિતી, કંપની પ્રતિનિધિઓ સાથેની ઈન્ટરવ્યુ માટેની વ્યવસ્થા તથા વિદ્યાર્થીઓની ઓન ધ સ્પોટ નોંધણી પણ થઇ શકે તેવી વ્યવસ્થા આવતીકાલે પણ કરવામાં આવનાર છે, એમ જીટીયુના વાઈસ ચાન્સેલર પ્રો.(ડૉ) નવીન શેઠે જણાવ્યું હતું.
કેમ્પમાં અમદાવાદ અને ગાંધીનગરની સરકારી પોલિટેકનિક કૉલેજો તેમજ એલ.ડી. એન્જીનિયરીંગ કૉલેજ, વિશ્વકર્મા સરકારી એન્જીનિયરીંગ કૉલેજ, ગાંધીનગરની સરકારી એન્જીનિયરીંગ કૉલેજ સહિત દસ કૉલેજોના વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે. જેમાં ઓટોમોબાઈલ્સ, મિકેનિકલ એન્જીનિયરીંગ, સિવીલ એન્જીનિયરીંગ, આર્કિટેક્ચર, કોમ્પ્યુટર એન્જીનિયરીંગ, ઈન્ફોર્મેશન ટેક્નોલોજી, ઈલેક્ટ્રોનિક્સ, ઈન્સ્ટ્રુમેન્ટેશન કંટ્રોલ, બિન-ટેકનિકલ શિક્ષણના ડિપ્લોમા તથા ડિગ્રીધારક વિદ્યાર્થીઓને આવરી લેવામાં આવશે.