પ.બંગાળમાં વસતાં ગુજરાતી યુવા ગુજરાત મુલાકાતે, સીએમને મળ્યાં

611

મૂળવતન અને તેની સાંસ્કૃતિક ધરોહર નવી પેઢીમાં ઊતરે તેની જાળવણી કરવી અન્યત્ર વસતાં ગુજરાતી પરિવારો માટે થોડી મુશ્કેલ બની રહેતી હોય છે. ત્યારે વતનની મુલાકાત લેવા એનઆરજી યુવાઓ પ્રેરાય તે માટે રાજ્ય સરકાર એક યોજના ચલાવી રહી છે. જે અંતર્ગત પશ્ચિમ બંગાળના કોલકાતા અને હાવરાના રપ જેટલા મૂળ ગુજરાતી યુવકયુવતીઓએ મુખ્યપ્રધાન વિજય રૂપાણીની ગાંધીનગરમાં  મુલાકાત લીધી હતી. ગુજરાત સરકારે અન્ય રાજ્યોમાં વસતા બિનનિવાસી ગુજરાતીઓ ખાસ કરીને યુવા પેઢી માતૃ રાજ્ય સાથે સુદ્રઢ નાતો પ્રસ્થાપિત કરે તેવા ભાવ સાથે ર૦૧૮થી ગુજરાત પરિભ્રમણ યોજના શરૂ કરી છે. આ યોજના અન્વયે તા. ૪ ફેબ્રુઆરીથી ૧૩ ફેબ્રુઆરી સુધી દસ દિવસ આ રપ યુવકયુવતીઓ ગુજરાત પ્રવાસે આવેલાં છે. સીએમએ આ યુવાઓના અભ્યાસ, પારિવારિક પરિચય અને રસના ક્ષેત્રો વિશે તેમની સાથે સહજ સંવાદ પણ કર્યો હતો.

તેમણે જણાવ્યું કે, આપણી મૂળ વતન ભૂમિ ગુજરાત સાથેનો સંબંધ-નાતો અતૂટપણે જળવાઇ રહે અને યુવા પેઢી પોતાના વતન રાજ્યની ઐતિહાસિક, સાંસ્કૃતિક ધરોહર અને વિકાસની યાત્રાથી વાકેફ થાય તે પણ એટલું જ આવશ્યક છે. મુખ્યપ્રધાને આ યુવાઓને દેશની એકતાના પ્રતીક વિશ્વની સૌથી ઊંચી સરદાર પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી, ગાંધી આશ્રમ, બનાસકાંઠા સરહદે સીમાદર્શન, કચ્છનું સફેદ રણ, ગીરના સિંહ જેવા મહત્વપૂર્ણ સ્થાનોના યાત્રા-પ્રવાસથી રાજ્યના વિકાસ અને વિરાસતનો પ્રત્યક્ષ અનુભવ કરવા પ્રેરણા આપી હતી.

તેમણે આ યુવાશકિતને એવું પણ આહવાન કર્યુ કે, ગુજરાતમાં જે વિકાસ જૂવે-અનુભવે તે સોશિયલ મિડીયા માધ્યમથી પોતાના મિત્રો, પરિવારોમાં મહત્તમ શેર કરીને દર વર્ષે બિનનિવાસી ગુજરાતીઓને ગુજરાતની મુલાકાત માટે પ્રેરિત કરે.આ મુલાકાત વેળાએ દ્ગઇય્ પ્રભાગના અગ્ર સચિવ સી. વી. સોમે પ્રવાસનો હેતુ અને રાજ્ય સરકારની યોજના સમજાવી હતી. એન.આર.જી. પ્રભાગના વરિષ્ઠ અધિકારીઓ અને પ્રવાસ નોડલ ઓફસરો પણ આ વેળાએ જોડાયા હતા.

Previous article૯૬ કંપનીઓએ ૧૮૪૬ વિદ્યાર્થીઓમાંથી ૬૬૩ને શોર્ટલિસ્ટ કર્યા : શિક્ષણ વિભાગનો પ્લેસમેન્ટ કેમ્પ
Next articleગુજરાતને સ્વાઈન ફ્‌લૂનો ભરડો : ૩૫ દિ’માં ૪૩નાં મોત, મૃત્યુઆંક દેશમાં ત્રીજા સ્થાને