સ્વાઈન ફ્લૂએ વધતી ઠંડી સાથે કાળો કેર વર્તાવ્યો છે દેશભરમાં ૨૦૧૯ના વર્ષના માત્ર ૩૫ દિવસમાં ૨૨૬ લોકોના ભોગ લીધા છે. જેમાં ગુજરાતના ૪૩ લોકોનો સમાવેશ થાય છે. આ સાથે ગુજરાત સ્વાઈન ફ્લૂના મૃત્યુઆંકમાં દેશમાં ત્રીજા સ્થાને છે. દેશમાં રોજ અંદાજીત ૭ લોકોના મોત થાય છે. ગુજરાતમાં સ્વાઇન ફ્લૂના ૮૯૮ કેસ નોંધાયા હતાં જેમાં ૪૩ લોકો મોતને ભેટ્યા. જ્યારે રાજસ્થાનમાં ૨,૨૬૩ કેસ સાથે પહેલા નંબર પર છે. જ્યારે દિલ્હી ૧,૦૧૧ કેસ સાથે બીજા નંબર પર છે.
કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા અનુસાર દેશમાં સ્વાઇન ફ્લૂના કુલ ૬,૬૦૧ કેસ પોઝિટિવ કેસ નોંધાયા હતાં, જેમાં સોમવાર સુધીમાં છેલ્લા સાત દિવસમાં ૨,૦૩૦ કેસ નોંધાયા છે. સ્વાઇન ફ્લૂના કેસમાં વધારો થતાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે તમામ રાજ્યોને આ અંગે ધ્યાન આપવા માટે સૂચનો આપ્યા છે, સાથે જ રાજ્યની સરકારી હોસ્પિટલમાં બેડની સુવિધાઓ વધારવા માટે પણ કહેવામાં આવ્યું છે. જેથી જરૂર પડે ત્યારે દર્દીને તાત્કાલિક સારવાર આપી શકાય.
જો કે એક અધિકારીએ જણાવ્યું કે રાજ્યોએ આ મુદ્દાનો ઉકેલ લાવવા માટે હજુ સુધી દવાના જથ્થાની કે ડાયગ્નોસ્ટિક કિટની માગ કરી નથી. મહત્વનું છે કે વર્ષ ૨૦૧૮માં દેશમાં સ્વાઇન ફલૂના કુલ ૧૪, ૯૯૨ કેસ નોંધાયા હતાં.
જેમાંથી ૧,૧૦૩ દર્દીઓના મોત થયા હતા. જ્યારે ગુજરાતમાં ૨૦૧૬ અને ૨૦૧૭માં અનુક્રમે ૪૧૧ અને ૪૩૧ દર્દીઓના મોત થયા હતા.