ગુજરાત ભાજપ તરફથી ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીના પ્રચારની શરૂઆત કરવામાં આવશે. મંગળવારે ગાંધીનગર ખાતે આવેલા બીજેપીના કાર્યાલય કમલમ્ ખાતેથી ચૂંટણી પ્રચાર માટેના રથોને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લીલીઝંડી આપી હતી. આગામી લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાતની લોકસભાની ૨૬ બેઠક પર બીજેપીના ૨૬ રથ ફરશે. એટલે કે દરેક જિલ્લામાં બીજેપીનો ચૂંટણી રથ ફરશે. આ માટે બીજેપી તરફથી ’’ભારત કે મન કી બાત મોદી કે સાથ’’ થીમ બનાવવામાં આવી છે. સીએમ વિજય રૂપાણીએ કમલમ્ ખાતેથી બીજેપીના આ રથોને લીલીઝંડી આપી હતી. ચૂંટણી પ્રચાર માટે દરેક જિલ્લામાં ફરનાર આ રથોમાં સૂચનપેટી તેમજ ટેબલેટના માધ્યમથી લોકો સૂચન કરી શકશે. આ સાથે લોકો ટોલ ફ્રી નંબર પરથી પણ સૂચન આપી શકશે.
આ સૂચનોને આધારે ૨૦૧૯ની ચૂંટણી માટે મેનિફેસ્ટો તૈયાર કરવામાં આવશે, તેમ બીજેપીના નેતાઓએ જણાવ્યું હતું. નોંધનીય છે કે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની તૈયારી ભાજપે ઘણા સમયથી શરૂ કરી દીધી છે. ગત લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની કુલ ૨૬ બેઠકમાંથી તમામ બેઠક બીજેપીના ફાળે ગઈ હતી. આગામી ચૂંટણીમાં પણ તમામ બેઠકો પર જીત હાંસલ કરવા માટે બીજેપી મહેનત કરી રહી છે. આ માટે બીજેપીએ જોડ-તોડની રાજનીતિ પણ શરૂ કરી દીધી છે. સામાપક્ષે વિપક્ષ પણ લોકસભાની ચૂંટણીમાં બીજેપીના ગઢમાં ગાબડું પાડવા માટે મહેનત કરી રહ્યો છે. આ માટે રાહુલ ગાંધી આગામી ૧૪મી ફેબ્રુઆરીના રોજ ગુજરાત આવશે તેમજ દક્ષિણ ગુજરાતમાંથી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરાવશે.