સાંથલ હાઈવે પરથી ૧૬.૩૯ લાખ રૂપિયાનો દારુનો જંગી જથ્થો ઝડપાયો

748

ગુજરાતમાં દારૂબંધીનો નવો કડક કાયદો બન્યા છતાં બુટલેગર દારૂની હેરફેર કરવામાં સહેજ પણ નરમ પડ્‌યા નથી. મોડી રાત્રે સનાથલ હાઇવે પર પીસીબીની ટીમે હરિયાણાથી ટ્રકમાં આવતા ૧૬.૩૯ લાખ રૂપિયાના દારૂના જંગી જથ્થા સાથે બે લોકોની ધરપકડ કરી છે. પીસીબીની ટીમે ડ્રાઇવર તેમજ ક્લીનરની ધરપકડ કરીને સમગ્ર ઘટનાનો પર્દાફાશકર્યો છે.

પીસીબીને બાતમી મળી હતીકે હરિયાણાથી એક ટ્રકમાં દારૂનો જંગી જથ્થો અમદાવાદ એસ.પી.રિંગરોડથી સનાથલ હાઇવે થઇને રાજકોટ જવાનો છે. બાતમીના આધારે પીસીબીની અલગ અલગ ટીમ બનાવીને એસ.પી. રિંગરોડ તેમજ સનાથલ ચોકડી પર વોચમાં હતા ત્યારે હરિયાણા પાસિંગની એક ટ્રકને રોકી હતી. પીસીબીની ટીમે ટ્રકમાં મોટા પ્રમાણમાં દારૂ જથ્થો મળી આવ્યો હતો. દારૂને લઇને આવતા હરિયાણાના ઇમરાન ખાન મેઉ તેમજ મુબારિક મેઉની પીસીબીની ટીમે ધરપકડ કરી હતી.

પીસીબીની ટીમે ટ્રકમાંથી ૧૬.૩૯ લાખ રૂપિયાનો ૫૦૦૨ દારૂની બોટલ કબજે કરી છે ત્યારે દસ લાખ રૂપિયાની ટ્રક કબજે કરીને સરખેજ પોલીસ સ્ટેશનમાં ડ્રાઇવર, ક્લીનર તેમજ ઠેકેદાર અને બુટલેગર વિરુદ્ધમાં ફરિયાદ કરી છે. પીસીબીની પૂછપરછમાં ડ્રાઇવર ઇમરાનખાને જણાવ્યું હતું કે દારૂ રાજકોટના બુટલેગરને પહોચાડવાનું હરિયાણાના ઠેકેદારે કહ્યું હતું. પોલીસે પ્રોહિબિશન અધિનિયમ હેઠળ બન્ને જણાની પૂછપરછ કરીને તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે.

પીસીબીના પીએસઆઇ સી.એમ. ચુડાસમા એ જણાવ્યું છે કે દારૂ ભરેલી ટ્રક હરિયાણાથી રાજસ્થાનના ઉદયપુર ખાતે આવી હતી ત્યાંથી આ ટ્રક રતનપુર બોર્ડર ક્રોસ કરીને શામળાજીથી અમદાવાદ આવી હતી.

પીસીબીને બાતમી મળી હતી કે દારૂ ભરેલી ટ્રક રતનપુર બોર્ડરથી આવવાની છે. જેથી તેઓ મોડી રાત્રે વોચમાં હતા. સનાથલ ચોકડી પાસે ટ્રક આવતાં પીસીબીએ તેનો પર્દાફાશ કર્યો છે. ડ્રાઇવર અને ક્લીનર પાસેથી રાજકોટની બિલ્ટી મળી છે જેથી આ દારૂનો જથ્થો રાજકોટમાં ઊતરવાનો હોય તેવું પ્રાથમિક તપાસમાં લાગી રહ્યું છે.  ડ્રાઇવર અને ક્લીનરને હરિયાણા તેમજ રાજસ્થાનના ઠેકેદાર કોણ છે તેની જાણ નથી અને રાજકોટ કે પછી ક્યા શહેરમાં દારૂ ઠલવવાનો છે તેની જાણ નથી.

દારૂબંધીનો નવો કડક કાયદો બન્યા પછી પોલીસ બુટલેગરથી લઇને ઠેકેદાર સુધીની તપાસ કરી રહી છે. જેના કારણે હવે ખેપ મરાતાં ખેપિયાઓને બુટલેગર તેમજ ઠેકેદારોનું નામ કહેવામાં આવતું નથી. ખેપિયાઓ જ્યારે હરિયાણા અથવા તો રાજસ્થાનથી દારૂની ટ્રક કે કન્ટેનર લઇને નિકળતા હોય છે ત્યારે તેમને ઠેકેદાર અને બુટલેગર ફોન પર તમામ માહિતી આપતા હોય છે.

Previous articleસરકાર કેસ પાછા ખેંચે નહી તો સેના ભાજપને હરાવવાન કામ કરશે : કરણી સેના
Next articleજૂના સચિવાલયમાં કોન્ટ્રાક્ટ પરનો કર્મચારી ૬૦ હજારની લાંચ લેતા ઝડપાયો