ગાંધીનગર એસીબીએ જુના સચિવાલયમાં રેડ પાડી સ્પોટ્ર્સ ઓથોરિટી ઓફ ગુજરાતના અધિકારીને ૬૦ હજારની લાંચ લેતા ઝડપી લીધા છે. આ અધિકારીએ ટ્રેનરોના બિલની મંજૂરી માટે એજન્સી પાસે લાંચ માંગી હતી.
સ્પોટ્ર્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા ચાલતા ઇન સ્કૂલ નામના પ્રોગ્રામ અંતર્ગત રાજ્યની સરકારી સ્કૂલોમાં અલગ-અલગ એજન્સીને ટેન્ડર પ્રક્રિયા દ્વારા ટેન્ડરિંગ કરી સ્કૂલોમાં સ્પોર્ટસ ટ્રેનર, સ્પોર્ટસ કીટ, સ્પોર્ટસ એજ્યુકેશન આપવા માટે કાર્યક્રમ ચાલે છે. જેમાં એસ.વી.એડ્યુ સ્પોર્ટસ પ્રા.લી. બેંગલોર ખાતેની એજન્સી પણ સામેલ છે.
આ કામના ફરીયાદી એસ.વી.એડ્યુ સ્પોર્ટસ પ્રા.લી રીજનલ મેનેજર ૨૦૧૮-૧૯ના આ પ્રોગ્રામ હેઠળ કોન્ટ્રાકટ ચાલુ રાખવા માગતા હતા. જેથી ઇન સ્કૂલ પ્રોજેક્ટ ઇન્ચાર્જ સંદીપ પંડ્યાએ ફરિયાદી પાસે સ્કૂલ દીઠ રૂા.૯૦૦ લેખે કુલ ૭૨ સ્કૂલોના રૂા.૬૪,૮૦૦ને બદલે દર મહિને રાઉન્ડ ફીગર રૂા.૬૦,૦૦૦ની માંગ કરી હતી.
ત્યાર બાદ ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ કરતા એસીબીએ છટકું ગોઠવી સંદીપ પંડ્યાને લાંચ લેતા ઝડપી લીધા હતાં.