રાજ્ય સરકારે વેપારીઓ માટે મોટો નિર્ણય લીધો છે. હવેથી રાજ્યમાં ૨૪ કલાક દુકાન ખુલ્લી રાખી શકાશે, અને ધંધો કરી શકાશે. આ જાહેરાત નાયબ મુખ્યપ્રધાન નિતિન પટેલે કરી છે.
માહિતી આપતા નીતિનભાઈ પટેલે જણાવ્યું કે, રાજ્ય સરાકર દ્વારા ખેડૂતો, અને વેપારીઓ માટે મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. જેને અગામી વિધાનસભા સત્રમાં રજૂ કરી લાગુ કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે, શ્રમ રોજગાર વિભાગના શોપ એસ્ટેબલિશમેન્ટ એક્ટમાં સુધારા દર્શાવતપં બિલ ગૃહમાં લાવવામાં આવશે. જેમા મહત્વના સુધારા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમ કે અત્યાર સુધીમાં ૭ લાખ દુકાનદારો માટે દર વર્ષે રજીસ્ટ્રેશન કરાવવાનું ફરજીયાત હતું, આ બિલમાં સુધારા બાદ દર વર્ષે રિન્યુ નહી કરાવવું પડે. માત્ર શરૂઆતના પ્રથમ વર્ષે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. એટલે કે દર વર્ષે રિન્યુ કરાવવામાંથી સરકારે મુક્તિ આપવાનો નિર્ણય લીધો છે.
તેમણે વધુમા જણાવ્યું કે, કોઈ પણ દુકાનદારે અધિકારીને પત્ર દ્વારા ધંધો શરૂ કરવા બાબતે જાણ કરવાની રહેશે. આ સિવાય વેપારીઓ માટે બીજો એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તે છે ૨૪ કલાક સુધી વેપાર-ધંધો કરવાની છુટ્ટી. અત્યાર સુધીમાં રાત્રીના ૧૨ વાગ્યા બાદ કાયદા મુજબ દુકાનો ખુલ્લી રાખી શકાતી ન હતી. નવા કાયદા મુજબ હવે ૨૪ કલાક ખાણી-પીણી સહિતની વગેરે દુકાનો ખુલ્લી રાખી શકાશે. જોકે આ મુદ્દે કેટલીક શરતો રહેશે.
કર્મચારીઓની સુવિધાઓને લઈ પણ મોટી જાહેરાત કરતા કહ્યું કે, કોઈ પણ વેપારી પોતાના કર્મચારીને ઓવર ટાઈમ કરાવે તો કર્મચારીને દોઢ ગણો પગાર ચુકવવાનો રહેશે. સાથે ૩૦થી વધુ કર્મચારી ધરાવનાર સ્ટોર, દુકાન માલિકે મહિલાઓને ધ્યાનમાં રાખી ઘોડિયા ઘરની વ્યવસ્થા કરવી પડશે. જ્યારે ૧૦૦થી વધુ કર્મચારી ધરાવતા સ્ટેર કે દુકાન માલિકે કેન્ટીનની વ્યવસ્થા કરવી પડશે.